અમદાવાદઃ રાજ્યમાં લોકડાઉન ખોલ્યા બાદ અનલોકની શરૂઆતથી જ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે સાંજે બહાર પાડેલા રાજ્ય સરકારના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1379 નવા કેસ નોંધાયા છે જ્યારે 14 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.


આ સાથે જ રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતને ભેટેલ દર્દીઓની સંખ્યા 3273એ પહોંચી ગઈ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1652 લોકો કોરોનાથી સાજા થયા છે.

ગઈકાલે સાંજે નોંધાયેલ કોરોનાના નવા 1379 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 171 અને જિલ્લામાં 109 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 151 અને જિલ્લામાં 20 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 86 અને જિલ્લામાં 41 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 99 અને જિલ્લામાં 46 કેસ નોંધાયા છે.

હાલમાં રાજ્યમાં કુલ 96 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15911 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 99,808 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં ગઈકાલે એક જ દિવસમાં સૌથી વધારે 85,620 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોનાના 36,09,808 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આરોગ્ય સચિવ ફરી રાજકોટમાં

રાજકોટમાં કોરોનાનો પ્રકોપ વધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ ફરી રાજકોટ દોડતા થયા છે. રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસો અને મોતના આંકડામાં વધારો જોવા મળતા આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટ પહોંચ્યા છે. જયંતિ રવિએ સિવિલ મેડિકલ કોલેજમાં બેઠકોનો દોર શરૂ કરી સ્થિતિની સમીક્ષા કરી.