Gram Panchayat: બોડેલી તાલુકા અને દાહોદ જીલ્લા સહિતની નકલી કચેરી કોભાંડની સહી સુકાઈ નથી ત્યા તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામપંચાયતોમાં માજી સરપંચોની સહીથી નાણાં ઉપાડવાની “મેરી પંચાયત” ના ઉલ્લેખ મુજબની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.


આદિવાસી વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ-ભ્રષ્ટાચાર અંગે રાજ્ય-જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે કે બધા કૌભાંડોની જેમ વધુ એકવાર ભીનુ સંકેલાઈ જશે તેવા પ્રશ્નનાં જવાબની માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.


બોડેલી તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચોના કાર્યકાળ સમાપ્ત થઈ જતાં સરપંચોની જગ્યા એ 19 પંચાયતોમાં વહીવટી તંત્ર દ્વારા વહીવટદારો પાછલા એક વર્ષ કરતાં વધુ સમયથી નિમણૂંક કરવામાં આવેલા છે અને પંચાયતોનો વહીવટ સરપંચ ના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે.


સરપંચોનો કાર્યકાળ સમાપ્ત થતાં તેઓ હવે માજી સરપંચ બની જાય છે. કોઈ પણ વિકાસના કામોમાં પંચાયતના નાણાંની લેવડ દેવડ માટે DSC (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) નો ઉપયોગ સહીના રૂપે કરવામાં આવે છે. બોડેલી તાલુકાની 19 પંચાયતોનાં વહીવટમાં પ્રથમ દ્રષ્ટિએ ગેરરીતિ ઉજાગર થઈ છે.


પંચાયતોના નાણાંકિય વ્યવહારમાં જે તે બેંકમાં કોની સહીથી નાણાં ઉપાડાશે તે સુનિશ્ચિત કરવામાં આવે છે તો પછી હાલમાં વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે માજી સરપંચોની ડિજિટલ સહીઓનો ઉપયોગ ‘મેરી પંચાયત’ માં કઈ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે. શું આ ગેરરીતિ-ગોલમાલની ગોઠવણ તો નથી ને ?



  • એકતરફ ડિજિટલ ઈન્ડિયા અને પારદર્શક વહિવટની મોટી મોટી વાતો કરતા ભાજપ સરકારના બેનમુન ગેરરીતિનો નમુનો વધુ એકવાર ઉજાગર થયો.

  • NIC (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર) જે કેન્દ્ર સરકારની વિશ્વાસપત્ર વેબ સાઇટ અને અન્ય કેન્દ્ર સરકારની સાથે સંકળાયેલી ઈલેક્ટ્રોનિક ઇન્ફોર્મેશન દ્વારા “મેરી પંચાયત” નામની એપ્લીકેશન ને જાહેર જનતા માટે ખુલ્લી મુકેલ છે.

  • જેને દેશનો કોઈ પણ નાગરિક પ્લે સ્ટોર ઉપર થી આસાની થી ઇન્સ્ટોલ કરી શકે છે અને મોબાઇલ નંબર દ્વારા વેરિફાઇ કરવી કોઈ પણ જિલ્લા, તાલુકા ની કોઈ પણ પંચાયત ની વિગત “મેરી પંચાયત” એપ્લિકેશનના માધ્યમ થી મેળવી શકે છે જેમાં પંચાયત માં નાણાંકીય લેવડ દેવડ સહિત ગ્રામપંચાયત સબંધિત ઘણીબધી જાણકારી પ્રકાશિત થાય છે અને કોઈપણ નાગરિક પોતાની પંચાયતના વિકાસના કામોની દેખરેખ આ એપ્લીકેશનના માધ્યમથી વિગત મેળવી શકે છે.

  • જે પૈકી બોડેલી તાલુકા ની 19 પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા ની અન્ય ગ્રામ પંચાયતોનો અભ્યાસ કરતાં બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞેશભાઈ રાઠવાને ગંભીર બાબતો ધ્યાનમાં આવતા બોડેલી તાલુકાની 19 ગ્રામપંચાયતમાં નાણાં ઉપડવા માટે માજી સરપંચોની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવી છે તેવી માહિતી જોવા મળતા તેઓ દ્વારા તાલુકા વિકાસ અધિકારી બોડેલી ને 19 ગ્રામ પંચાયતોમાં ક્યાં વ્યક્તિની DSC (ડિજીટલ સીગ્નેચર સર્ટીફીકેટ) વાપરવામાં આવેલી છે તેની વિગત માંગી હતી.

  • બોડેલી તાલુકા પંચાયત ખાતેથી મળેલી વિગત માં વહીવટદારોની ડિજિટલ સહી વાપરેલી છે તેવી લેખિત માહિતી મળી હતી.

  • જેથી ઓનલાઇન એપ્લીંકેશન અને ઓફલાઇન મળેલી માહિતીમાં મોટો તફાવત જોવા મળતા અને નાણાકીય લેવડદેવડમાં ગેરરીતિ થઈ હોવાની શંકા જતાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત માં મેમોરેન્ડમ આપી તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા જીજ્ઞેશ રાઠવા અને કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ રાઠવા સહિત સ્થાનિક નાગરિકો દ્વારા તપાસની માંગ કરવામાં આવી હતી.

  • એપ્લકિશનમાં બોડેલી તાલુકા ઘણી બધી પંચાયતોમાં સરપંચો અને તલાટીઓનાં મોબાઇલ નંબર અને ઇમેલ એડ્રેસ કોઈ એકજ વ્યક્તિના હોય તેવું જોવા મળે છે એ ક્યાં કારણે હોય તે તપાસનો વિષય છે.

  • આ તમામ માહિતી જોતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

  • શું નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ખુલ્લી મૂકાયેલી એપ્લીકેશનમાં ખોટી વિગત પ્રકાશિત થાય છે?

  • શું માજી સરપંચોની જાણબહાર તેઓની ડિજિટલ સહીઓ વાપરેલી છે?

  • કાર્યકાળ પૂરો થયા પછી સહી વપરાય તો કાયદેસર વાપરી શકાય કે નહીં?

  • શા માટે તાલુકાની ઘણીબધી પંચાયતો માં એક જ મોબાઇલ નંબર વાપરવામાં આવ્યા અને ઈમેલ આઈ.ડી કેમ એકજ વાપરવામાં આવ્યા?

  • શું એકજ મોબાઈલ નંબર અને ઈમેલ વાપરી કોઈ ગેરરીતિ થઈ કે કેમ? શા કારણે આદિવાસી વિસ્તારમાં જ આવા ગંભીર પ્રકારના ગેરરીતિ-ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

  • જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગની તપાસ ક્યારે થશે તે પ્રશ્ન ના જવાબની આદિવાસી સમાજના સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.