Gujarat Congress: લોકસભાની ચૂંટણી અને રાજ્ય વિધાનસભાની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 3 દિવસમાં કોંગ્રેસ લોકસભાની બાકીની સાતેય બેઠકના ઉમેદવાર જાહેર કરી દેશે. સૌથી વધુ ગૂંચવાયેલી રાજકોટ બેઠકનું કોકડું ઉકેલાયા હોવાની પણ AICCના સૂત્રોથી જાણકારી મળી છે.


તો મહેસાણા, સુરેંદ્રનગર, જૂનાગઢ, વડોદરાના ઉમેદવાર પણ નિશ્ચિત થઈ ચુક્યા છે. રોહન ગુપ્તા દ્વારા ના પાડ્યા બાદ અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોને ઉતારવા તે પણ પક્ષે નક્કી કરી લીધું છે. લોકસભાની સાથે જ યોજાનાર રાજ્ય વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી મુદ્દે પણ કોંગ્રેસે મંથન કરી લીધું છે.


પ્રદેશ તરફથી મોકલાયેલા પાંચેય બેઠકના ઉમેદવારોની યાદીને ચર્ચા બાદ કોંગ્રેસની કેંદ્રીય ચૂંટણી સમિતિએ લીલી ઝંડી આપ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠકથી કડવા પાટીદારને કોંગ્રેસ ઉમેદવાર બનાવશે તો માણાવદરથી લેઉવા પાટીદારને ભાજપના અરવિંદ લાડાણી સામે મેદાનમાં ઉતારવાનું નક્કી થઈ ચુક્યું છે.


લોકસભા ચૂંટણી: મતદાન ક્યારે અને પરિણામ ક્યારે?


લોકસભાની ચૂંટણી આ વખતે સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 102 લોકસભા સીટો પર મતદાન થશે. બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 89, ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ 94, ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ 96, પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ 49, છઠ્ઠા તબક્કા હેઠળ 25 મેના રોજ 57 અને સાતમા તબક્કા હેઠળ એક જૂનમાં લોકસભાની 57 બેઠકો પર મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.


ECIએ આ વખતે સામાન્ય ચૂંટણી માટે આ વ્યવસ્થા કરી છે


વર્તમાન 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે દેશમાં અંદાજે 97 કરોડ (96.8 કરોડ) નોંધાયેલા મતદારો છે અને 10.5 લાખ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. ચૂંટણીના સંચાલન માટે 1.5 કરોડ પોલિંગ ઓફિસર અને સુરક્ષા કર્મચારીઓ છે, જ્યારે 55 લાખ ઈવીએમ અને ચાર લાખ વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે.


લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ  રાજનેતાઓ એક બીજા પક્ષ પર આકરા નિવેદન કરી રહ્યાં છે. ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર  ભાજપને પ્રહાર કરતા એક કવિતા લખી છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે કેટલાક દિગ્ગજ નેતાની ટિકિટ કાપતાં પરેશ ધાનાણીએ ભાજપ પર ટિકિટને લઇને થયેલા કકળાટ પર પ્રહાર કરતા કવિતા લખી છે.