ગુરૂવારે જસદણના આંબરડી, ભડળી, બધાણી, સોમલપુર અને સોમ પીપળીયામાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આંબરડીમાં તો થોડા સમયની અંદર જ ચાર ઈંચ જેટલો વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયુ. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ચાર ઈંચ વરસાદ વરસતા જસદણ તાલુકાના ચારથી પાંચ ગામના નાના મોટા ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયા હતા.


નોંધનીય છે કે, દેશના ખેડૂતો માટે સારા સમાચાર  આવ્યા છે. દેશમાં ચોમાસાનું આગમન થયું છે. ચોમાસું કેરળ પહોંચ્યું હોવાની જાહેરાત હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે કેરળના દક્ષિણ કિનારે વરસાદ પડી રહ્યો છે. સેટેલાઇટ મારફત મળેલા ફોટામાં પણ જોવા મળ્યું કે કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર વાદળોનું પ્રમાણ વધ્યું છે.


કેરળ પહોંચ્યા બાદ હવે મોન્સૂન ધીમે-ધીમે પશ્ચિમ, મધ્ય અને ઉત્તર ભારત તરફ આગળ વધશે અને જૂનના અંત સુધી દિલ્હી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આ વર્ષે 96 થી 104 ટકા વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. 


બીજી બાજુ રાજ્યમાં પણ આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડપવાની શક્યતા છે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી, મહીસાગર, ડાંગ, તાપી, વલસાડ, દાહોદ, પંચમહાલ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.


અમદાવાદમાં ગુરૂવારે મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે  છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. મણીનગર, ઈસનપુર, નારોલ, બોપલ, ઘુમા, સેલા, શીલજ, પ્રહ્લાદનગર, વેજલપુર, વાસણા, ઘોડાસર, એસજી હાઈવે, રાણીપ અને ઈસ્કોન સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે પણ વરસાદ વરસ્યો.



આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.