જૂનાગઢઃ કેધોસમાં મુસ્લિમ પરિવારના 6 સભ્યોએ ઇસ્લામ ત્યજીને હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે. પૂર્વજો કડવા પાટીદાર જ્ઞાતિના હોવાથી હિન્દુ ધર્મ અપનાવનાર આ પરિવારનું કેશોદના શ્રી જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજે શ્રી ઉમિયા પરિવારમાં સ્વિકાર સહમતિ પત્ર જાહેર કરીને સ્વાગત પણ કર્યુ છે.


મુસ્લિમ ધર્મના ત્રણ મહિલા અને ત્રણ પુરૂષોનો વડસરિયા પરિવાર હવે હિન્દુ ધર્મમાં કડવા પાટીદાર સમાજનો હિસ્સો રહેશે.

આ મામલે હિન્દુ ધર્મ અપનાવનાર રસિલાબહેને કહ્યું કે, અમારા પૂર્વજો કડવા પટેલ જ હતા. જે તે સમયે તેમણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો ત્યાર બાદ અમે મોમીન અટક ધારણ કરી પરંતુ અમારા નામો તો હિન્દુઓમાં હોય તેવા જ હતા. અમારો પરિવાર છેલ્લા 35-36 વર્ષથી બ્રહ્માકુમારી સાથે સંકળાયેલો છે.

ધર્મ પરિવર્તન બાદ કેશોદના જેઠાલાલ પ્રમેજી પટેલ સમાજના પ્રમુખ ગોપાળ પટેલે મુસ્લિમ મોમીન પરિવારને હિન્દુ કડવા પાટીદારની વડસરિયા અટક સાથે “જ્ઞાતિ સ્વિકાર સહમતિ પ્રમાણપત્ર” આપ્યુ હતુ. જોકે ધર્મ પરિવર્તન મામલે હજુ કલેક્ટરની મંજૂરી મળી નથી. હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે.

જુનાગઢ જિલ્લાના માળિયા હાટિના, તાલાલા તરફના મોમના કે મોમીન તરીકે ઓળખાતા ઈસ્માઈલી મુસ્લિમોના અનેક ગામો છે. કેશોદમાં પણ અઢીસોથી વધુ પરિવારો વસે છે.