Janmashtami 2023: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી 7 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જન્માષ્ટમીના દિવસે દર્શન કરવા આવતા ભક્તોની સુવિધા માટે દર્શનનો સમય જાહેર કર્યો છે.


ટેમ્પલ કમિટીએ આપેલ જાણકારી દર્શનનો સમય આ હશે


- 6:30 વાગે નિજ મંદિર ખુલી જશે.


- 6:45 ના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે.


- બપોરના 1:00 વાગ્યાના અરસામાં શ્રી ઠાકોરજી પોઢી જશે. આ સમય દરમિયાન દર્શન બંધ રહેશે વૈષ્ણવનો મંદિર પ્રવેશ બંધ રહેશે.


- સાંજના 4:45 વાગ્યે નિજમંદિર ખોલી 5:00 વાગ્યાના અરસામાં આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થશે.


- રાત્રિના 12:00 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન થશે, શ્રી ઠાકોરજીની સેવા તેમજ શૃંગાર ધરાવીને શ્રી ઠાકોરજી મોટો મુગટ ધારણ કરાવવામાં આવશે.


- મોટા મુગટ ધારણ કર્યા બાદ શ્રી ગોપાલ લાલજી મહારાજ સોનાના પારણામાં બિરાજમાન થઈ પારણામાં ઝુલશે ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઈ શ્રી ઠાકોરજી પોઢી જશે અને વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે


તારીખ 8/9/23 ને શુક્રવારના રોજ નંદ મહોત્સવના દિવસે શ્રી ઠાકોરજીના દર્શનના સમય


- સવારના 8:45 વાગે નિજ મંદિર ખુલી 9:00 વાગ્યાના અરસામાં મંગળા આરતી થઈ નિત્યક્રમાનુસાર શ્રી ઠાકોરજીની સેવા પૂજા થઈ ત્યારબાદ નંદ મહોત્સવ ઉજવાશે


આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સંયોગ છે અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. રોહિણી નક્ષત્ર 6 સપ્ટેમ્બરના રોજ સવારે 9.20 વાગ્યાથી 7 સપ્ટેમ્બરના રોજ સવારે 10.25 વાગ્યા સુધી રહેશે. રોહિણીને ચંદ્રની પત્ની માનવામાં આવે છે અને આ દિવસે ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. ગ્રહોની આ સ્થિતિ પૂજા-પાઠના સંયોગથી વિશેષ ફળદાયી સાબિત થઈ રહી છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવતી પૂજા ભક્તોને વિશેષ ફળ આપશે.


આ વર્ષે જન્માષ્ટમી નક્ષત્રમાં વિશેષ ગ્રહની હાજરીને કારણે ખૂબ જ શુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણના ભક્તો માટે સાધના કરવાનો આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. વાસ્તવમાં દરેક જન્માષ્ટમી શુભ છે અને શ્રી કૃષ્ણ ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. પરંતુ જો તમે કોઈ ચોક્કસ સમયગાળા અને નક્ષત્રમાં ભજન કીર્તન સાથે શ્રી કૃષ્ણ કથા અને લીલા અમૃતનો પાઠ કરો છો, તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે અને તમને સુખ, સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ આપશે.