Chota Udaipur accident: અમદાવાદ ઇસ્કોન બ્રિજ ખાતે બનેલી અકસ્માતની ઘટના જેવી ઘટના છોટાઉદેપુરમાં સામે આવી છે. છોટાઉદેપુરમાં પુરપાટ ચાલતી કારે રાહદારી યુવાનને હવામાં ફંગોડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવાનને ગંભીર ઇજા થતા સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સોમવારે બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


શું હતી સમગ્ર ઘટના?


છોટાઉદેપુર હાઈસ્કૂલ પાછળ આ અકસ્માતમી ઘટના બની હતી. ઘાયલ 35 વર્ષીય હર્ષદભાઈ મારવાડી પોતાના બહેનના ઘરે ગયા હતા ત્યારે અકસ્માતની ઘટના બની હતી. હર્ષદભાઈ વડોદરાના પરશુરામ ભઠોના મારવાડી મહોલ્લામાં રહેતા હતા. એમના પરિવારમાં માતા છે અને તેઓ તેમની સાથે જ રહી છુટ્ટક મજૂરી કરતા હતા. એસ.એસ.જી હોસ્પિટલના સર્જીકલ આઈ.સી.યુમાં 2 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું.


છોટાઉદેપુર ખાતે બહેનને ત્યાં ગયેલા હર્ષદભાઈ મારવાડી રસ્તે પસાર થઇ રહ્યા હતા ત્યાંજ પુર ઝડપે આવતી ઇન્ડિકા કાર ચાલક રોહિત નાયરે તેમને અડફેટે લીધા હતા, સોમવારે બનેલી અકસ્માતની ઘટનામાં ગંભીર રૂપે ઘાયલ હર્ષદભાઈને વડોદરા ની એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં 3 દિવસ આઈ.સી.યુમાં સારવાર અપાયા બાદ આજે તેમનું મૃત્યુ થયું હતું.


એસ.એસ.જી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે તેમના પાર્થિવ દેહને પીએમ માટે ખસેડાયો છે. મૃતક હર્ષદભાઈ મારવાડીના પરિજનોએ કાર ચાલક રોહિત નાયરને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે તો સાથે વિધવા માતા વૃદ્ધ હોઈ કોઈ આધાર ન રહેતા આર્થિક સહાયની માંગ કરી છે. આ અકસ્માત બાદ છોટાઉદેપુર પોલીસે ધરપકડ બાદ જામીન પર છૂટેલા રોહિત નાયર સામે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.


તથ્યના પિતાની ડંફાસ મારતી વધું એક Audio Clip વાયરલ


અમદાવાદમાં હાલના સૌથી ચર્ચિત તથ્ય પટેલ અકસ્માત કેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના જીવ લીધા છે, અને બેફામ ગાડી ચલાવીને અવારનવાર ચર્ચામાં રહેનારો તથ્ય પટેલ કોઇ એક ગુનાનો આરોપી નથી, તેના પર એકથી વધુ ગુના પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં તથ્ય પટેલની સાથે સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને બન્ને પર ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે. 


જોકે, આ બધાની વચ્ચે છ મહિના પહેલા ગાંધીનગરમાં તથ્ય પટેલે કરેલા કાર અકસ્માતને લઇને સનસનીખેજ ઓડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પુત્ર તથ્ય પટેલના એકસ્માતને વ્યાજબી અને યોગ્ય ઠેરવી રહ્યાં છે, તેમના મતે આવા અકસ્માતો તો થયા કરે, ટેન્શન ના લેવાનું હોય. 


તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ શું બોલી રહ્યાં છે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં.... 
હાલમાં વાયરલ થયેલી એક ઓડિયો ક્પિલમાં સાંભળી શકાય છે કે, તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ કોઇને કહી રહ્યાં છે કે, 'આજીવન કંઇ નઇ થાય.... આવું તો ઠોકાય હવે ગાડી તો ઠોકાય ને... 19 - 20 વરસના છોકરાઓથી આવું કોક દીવસ થઇ જાય હવે.. એમાં કંઇ બહુ ટેન્શન નઇં કરવાનું......... ' - હાલમાં જે ઓડિયો ક્લિપ સામે આવી છે તે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના નામથી વાયરલ થઇ રહી છે. આ ક્લિપ ગાંધીનગરમાં તથ્ય પટેલે એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી તે સમયની હોવાની પણ વાત સામે આવી છે. એબીપી અસ્મિતા ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.