Banaskantha : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની સમસ્યા એમની એમ જ છે. દાંતા તાલુકાના અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. બોર ફેલ થયા છે, હેન્ડપંપમાં પાણીના તળ નીચા ગયા છે અને નલ સે જલના નળમાં  પાણી નથી આવી રહ્યું. એબીપી  અસ્મિતાએ આજે 5 દિવસ બાદ રીયાલીટી ચેક કરતા 5 દિવસ બાદ પણ પાણી મળ્યું નથી. 


દાંતા તાલુકાના  ગામોમાં પીવાનું પાણી નસીબ નથી, માત્ર હેન્ડપંપ પર આધારિત પીવાના પાણી માટે લાંબી કતારો લાગે છે, તો બીજી બાજું ટેન્કર દ્વારા પાણીની પહોંચાડવાની વ્યવસ્થાની વાત માત્ર કાગળ પર છે. હજી  પણ અંતરિયાળ વિસ્તારના ગામડાઓને ટેન્કર દ્વારા પાણી પહોંચાડતું નથી અને ગ્રામજનો હવે કલેક્ટરને વિનંતી કરી રહ્યાં  છે કે ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવે.


દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં  પાણીના તળ નીચા છે અને બોરની વ્યવસ્થા ન હોય,  લોકો પાણી માટે વલખા મારી રહ્યાં  છે.   પાણી માટે પાણી પુરવઠા વિભાગને લેખિત અને મૌખિક અનેક રજૂઆતો કરી છે પરંતુ પરિણામ શૂન્ય છે.


દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં  લોકો મજૂરી કરી જીવન ગુજારે છે. પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે હવે પ્રશ્ન એ છે કે પીવાના પાણીની વ્યવસ્થા કરવી કે મજૂરી કામે જવું. પશુપાલકો માટે તો સમસ્યા અતિ વિકટ બની. હેન્ડપંપમાં  પાણી ઓછું હોવાથી પાણી ન મળતા દૂરથી પાણી લાવી પીવા લોકો મજબુર બન્યાં છે. કરોડો રૂપિયા વેડફી નાખતા તંત્ર પાસે આ ગામોમાં  લોકોને ટેન્કર દ્વારા પણ પાણી પહોંચાડવાની ક્ષમતા નથી.


દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યાને લઈને કલેકટરે તાકિદની બેઠક કરી હતી. પાણી પુરવઠાની પાઇપલાઈનમાંથી પાણી ચોરતા લોકો સામે કડક કાર્યવાહી ઉપરાંત ખેતરમાં  કે વાડીમાં  ગેરકાયદે કનેકશન હશે તો ફરિયાદ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 


પાણી પુરવઠા વિભાગે પાણીની સમસ્યાના નિવારણ માટે 1916 નંબર પણ જાહેર કર્યો છે અને પાણી પુરવઠા વિભાગને સૂચના અપાઈ હતી કે જ્યાં  ગામડાઓમાં બોરની વ્યવસ્થા નથી અથવા પાઇપલાઈનની પણ વ્યવસ્થા નથી તેમને તાત્કાલિક ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે. પરંતુ પાંચ દિવસ બાદ આજે પણ આ ગામડાઓને પાણી મળ્યું નથી. પાણીની સમસ્યા નિવારવા માટે વહીવટી તંત્રના અનેક ઉપાયો તો કર્યા છે પરંતુ તે અમલી બનતા નથી અને જેને લઇને લોકો પરેશાન છે.