આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2024 અંતર્ગત એકતાનગર ખાતે આવી પહોંચેલા દેશ-વિદેશના પતંગબાજો નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ - 01 ખાતે પોતાના કરતબ બતાવી દર્શકોને અચંબિત કરી મૂક્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા પતંગ મહોત્સવ દરમિયાન નર્મદા ડેમ સાઇટ તરફનો આકાશી નજારો રંગબેરંગી પતંગોથી છલકાઇ ગયું હતું. એક તરફ ફૂલ ગુલાબી ઠંડી અને બીજી તરફ પતંગબાજી અને ગરબાનો તાલના ત્રિવેણી સંગમ સાથે આનંદસભર વાતાવરણ સર્જાયું હતું.


એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ-01 ખાતે જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવ-2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 દેશના 32 ઉપરાંત ભારતના 17 જેટલા પતંગબાજોએ ચિત્રવિચિત્ર પતંગોને આકાશમાં ચગાવ્યા હતા. ખાસ પ્રકારની દોરી, ખાસપ્રકારના કાગળથી બનેલા આ પતંગો એક સાથે આકાશમાં પવનની લહેરખી સાથે ઉડતા અદ્દભૂત નજારો સર્જાયો હતો.




આ પતંગોમાં એનિમેશન શ્રેણીના પ્રસિદ્ધ કાર્ટુનો, એરોડાયનેમિક છતાં વિવિધ આકાર અને વિશાળ પતંગોએ દર્શકોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પતંગોને ખાસ પતંગોત્સવ માટે બનાવવામાં આવતા હોય છે. આ પતંગને તેના સંવાહક ભારે સાચવીને દિલની દોરીથી ચગાવે છે. એકતાનગર ખાતે મિનિ ડ્રેગન, રામ ભગવાનની ચિત્ર સહિતના પતંગોથી આકાશ રંગબેરંગી થઇ ગયું હતું.


પતંગ મહોત્સવના પ્રારંભે જિલ્લા કલેકટર  શ્વેતા તેવતિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર દર્શક વિઠલાણી અને પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીની રૂપરેખા આપી સૌને શુભેચ્છા પાઠવી હતી. દેશ -વિદેશથી આવેલા પતંગબાજોને ઉત્સાહભેર આવકાર્યા હતા. 




સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે બાલીકાઓએ દેશ-વિદેશના પતંગબાજોનું કૂમ કૂમ તિલક કરી સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને દિપ પ્રાગટય કરી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સંબોધન કરી તિરંગા કલરના ફૂગ્ગા ખૂલ્લા આકાશમાં છોડી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો. વિદેશી મહાનુભાવો - યુવાનો દ્વારા પોતાના મોબાઈલમાં સેલ્ફી અને ઉત્સાહ ઉમંગથી સર્જાયેલા વાતાવરણને કેમેરામાં કેદ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ પણ આ પતંગ મહોત્સવ નિહાળ્યો હતો. 


આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ કલેકટર સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શક વિઠલાણી, પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા અને એસ.ડી.બારડ, નાયબ પોલીસ અધિક્ષક કૃનાલ પરમાર સહિત જિલ્લા વહિવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.