IPS Abhaysingh Chudasma politics entry: ગુજરાત પોલીસના એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ રાજનીતિમાં પ્રવેશ કરશે તેવી ચર્ચાઓને વિરામ આપતાં મોટો ખુલાસો કર્યો છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ પછી રાજનીતિમાં જોડાવાના નથી.
અભયસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, "મારી નોંધ બહુ લેવાય છે. લોકો હંમેશા અનુમાન લગાવતા રહે છે કે હું આગળ શું કરીશ. પરંતુ હું સ્પષ્ટ કહું છું કે હું રાજનીતિમાં જવાનો નથી. મારું ક્ષેત્ર રાજનીતિ નથી."
તેમણે વધુમાં જણાવ્યું કે, "નિવૃત્તિ બાદ હું સમાજસેવાના કામમાં જોડાઈશ. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે કામ કરવા માંગું છું. એક ટીમ બનાવીને આપણા ગામડાઓમાં જઈશું અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું."
ગીર સોમનાથના કોડીનાર ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અભયસિંહ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
અભયસિંહ ચુડાસમાની આ જાહેરાતથી રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ઘણા લોકો માનતા હતા કે તેઓ રાજનીતિમાં પ્રવેશ કરશે, પરંતુ તેમણે સમાજસેવાના માર્ગને અપનાવવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા કારડિયા રાજપૂત સમાજના એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ સમાજની રાજકીય સ્થિતિ અંગે દર્દ ઠાલવ્યું હતું.
સમાજની એકતાના અભાવને કારણે રાજકીય પ્રતિનિધિત્વ ઓછું હોવાનો મુદ્દો ઉઠાવતા અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, "છેલ્લી બે ટર્મથી આપણો એક પણ મંત્રી નથી, એના મૂળ સુધી જવું જોઈએ. આનું કારણ એ છે કે આપણે સહુ એક નથી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "સમાજની સંખ્યાના પ્રમાણમાં ચાર ધારાસભ્યો હોવા જોઈએ, પરંતુ માંડ માંડ બે જીતે છે કારણ કે આપણે વહેંચાયેલા છીએ."
સમાજની પ્રગતિમાં અવરોધક પરિબળો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, "મેં સમાજની સૌથી મોટી બદી જોઈ હોય તો તે છે આપણો વ્યક્તિગત ઈગો અને અભિમાન. અન્ય સમાજની સરખામણીમાં આપણે વધુ ઘમંડી છીએ, જેના કારણે વિકાસ રૂંધાઈ રહ્યો છે."
આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ છે અને સમાજમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.'
આ પણ વાંચોઃ