Vav bypoll 2024: વાવ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર દ્વારા જંગી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે.
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સવારે 10 કલાકે વાવ ખાતે માલધારી સમાજનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું છે.
જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં સાંજે 5 કલાકે તમામ સમાજની જંગી સભા યોજાશે. આવતીકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાં પહેલાં બંને પક્ષો દ્વારા છેલ્લી ઘડીની તાકાત અજમાવવામાં આવશે.
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વાવ વિધાનસભા ક્ષેત્રના માડકા ગામે યોજાયેલી ચૂંટણી સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વર્તમાન ચૂંટણીમાં મુખ્ય હરીફાઈ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ છે. ભાજપ આ ચૂંટણી જંગમાં કોઈ મહત્વનો ખેલાડી નથી.
તેમણે મતદારોને અપીલ કરી હતી કે તેઓ ભાજપ વિશે વિચારવાનું છોડી દે, કારણ કે તે હરીફાઈમાં નથી. તેમણે મતદારોને સાવધાન કર્યા કે તેમનો કિંમતી મત વેડફાઈ ન જાય તેની કાળજી રાખે. વધુમાં, તેમણે જણાવ્યું કે મતદારો સીધા તેમનો સંપર્ક કરી શકે છે અને કોઈ મધ્યસ્થીની જરૂર નથી.
આ પહેલા વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં હારવાની સ્થિતિમાં હોય ત્યારે હિન્દુ મુસ્લિમ અને પાકિસ્તાનના મુદ્દાઓ ઉઠાવીને ભોળી પ્રજાને ભરમાવવાનો પ્રયાસ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે નડાબેટ પાસે આવેલા પાકિસ્તાન સરહદના પવનો ભાજપને હરાવવામાં મદદરૂપ થશે. શૈલેષ પરમારે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ સતત પાકિસ્તાનના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આ વખતે સફળ નહીં થાય.
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.
સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
આ પણ વાંચોઃ