jal jeevan mission gujarat: ગુજરાત સરકારે 'જલ જીવન મિશન' અને 'નલ સે જલ' યોજના હેઠળ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા એ જાહેરાત કરી કે અત્યાર સુધીમાં કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યા છે. આ પ્રગતિ ઉપરાંત, મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે સરકાર આ યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાંખી લેશે નહીં. ખાસ કરીને મહીસાગર જિલ્લામાં અનિયમિતતાઓ સામે કાર્યવાહી કરીને 122 એજન્સીઓ અને 41 પાણી સમિતિઓ પાસેથી ₹2.97 કરોડની વસૂલાત કરવામાં આવી છે અને 12 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
ગુજરાતમાં 'નલ સે જલ' યોજનાની પ્રગતિ
ગુજરાત માં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું લક્ષ્ય વર્ષોથી સરકારની પ્રાથમિકતા રહી છે. 15 ઓગસ્ટ, 2019 ના રોજ વડાપ્રધાન દ્વારા 'જલ જીવન મિશન' ની જાહેરાત પહેલા પણ રાજ્યમાં આ માટે પ્રયાસો થયા હતા. વર્ષ 2002 માં VASMO (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) ની રચના કરીને ગામડાઓમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
આ પ્રયાસોના પરિણામે, વર્ષ 2019 સુધીમાં રાજ્યના કુલ 91 લાખ ઘરોમાંથી 65 લાખ ઘરો એટલે કે 71% ઘરોમાં નળ કનેક્શન પહોંચી ગયા હતા. વર્ષ 2019 થી 'જલ જીવન મિશન' ના અમલ બાદ, બાકીના 26 લાખ ઘરોને વર્ષ 2024 સુધીમાં નળ કનેક્શન આપવામાં આવ્યા છે.
મંત્રીએ જણાવ્યું કે આદિજાતિ વિસ્તારોમાં, જ્યાં ઘરો છૂટાછવાયા હોય અને પંચાયતની આર્થિક સ્થિતિ નબળી હોય, ત્યાં 10% લોકફાળો પણ રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવ્યો છે. આ ઉપરાંત, આવા વિસ્તારોમાં 10 થી 20 ઘરોના ક્લસ્ટર બનાવીને પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં અનિયમિતતાઓ અને કાર્યવાહી
'જલ જીવન મિશન' ના કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મળેલી ફરિયાદો પર સરકારે સખત કાર્યવાહી કરી છે. મંત્રીએ જણાવ્યું કે જિલ્લાના 714 ગામો પૈકી 680 ગામોમાં પાણી પહોંચાડવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે 630 ગામોમાં તપાસ કરવામાં આવી.
આ તપાસમાં ગંભીર અનિયમિતતાઓ ધ્યાનમાં આવતાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી છે:
- 112 એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવી છે.
- 122 એજન્સીઓ અને 41 પાણી સમિતિઓ સામે રિકવરીનો આદેશ આપીને અત્યાર સુધીમાં ₹2.97 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
- આ મામલે 12 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.