નવસારીના જલાલપોર તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા ગામમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે હાઇવેથી જતા મુખ્ય બજારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.




મુખ્ય બજારમાં પાણી ભરાતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણી ભરાવાના કારણે બજારમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પડ્યા હતા. પાણીનો યોગ્ય નિકાલ ના થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ


ભારે વરસાદના કારણે અમદાવાદમાં AMCનો પ્રિમોન્સૂન પ્લાન નિષ્ફળ રહ્યો હતો. અમદાવાદના કોતરપુરમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદના નિકોલમાં અઢી ઈંચ, મેમકો અને નરોડામાં બે બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ચાંદખેડામાં બે ઈંચ , કઠવાડામાં દોઢ ઈંચ, સાયન્સસિટી વિસ્તારમાં એક ઈંચ વરસ્યો હતો. અમદાવાદના બાપુનગરમાં પડેલા ધોધમાર વરસાદે અનેક સોસાયટીની મુશ્કેલી વધારી હતી. વૈશાલી ફ્લેટના રસ્તાઓની સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા હતા. ફ્લેટના અંદાજે 600 રહીશો પાણી ભરાવાના કારણે પરેશાન છે.


ધોધમાર વરસાદના કારણે અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તા પર ભરાયેલા પાણીનો નિકાલ ન થતા લોકોએ ગટરના ઢાંકણા ખોલી નાખ્યા હતા. તો રખિયાલના અજીત મીલ પાસેના મુખ્ય રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


અમદાવાદના નિકોલમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ગોપાલ ચોકથી શુકન ચાર રસ્તા પાસેના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. રસ્તા પર આવેલી દુકાનને વેપારીઓએ બંધ રાખવાની ફરજ પડી હતી. અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા હતા.


સુરતમાં  પણ ધોધમાર વરસાદ


સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. રસ્તાની સાથે શ્રીરામ નગર સહિતની સોસાયટીઓમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીનો નિકાલ ન થતો હોવાથી વાહન ચાલકોને પણ તકલીફ પડી હતી. વધુ વરસાદ પડે તો લોકોના ઘરમાં પાણી ઘૂસવાનો ખતરો છે.


રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા હતા. રાજયમાં પંચાયત હસ્તક કુલ 17 રોડ બંધ થયા હતા. સુરત જિલ્લામાં 11 રોડ, વલસાડ જિલ્લામાં બે રોડ, તાપી અને પંચમહાલ જિલ્લામાં એક-એક રોડ બંધ કરાયો હતો. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક-એક રોડ બંધ છે.