સૌરાષ્ટ્ર નું પ્રખ્યાત વિરપુરનું જલારામ મંદિર આજથી દર્શન માટે ખુલ્લુ મુકાયુ છે. જો કે સવાર સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ નહીં અપાય. ફરજિયાત માસ્ક અને સોશલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. જલારામ બાપાના દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. દર્શનાર્થીઓએ ટોકન સિસ્ટમથી દર્શન માટે પ્રવેશ કરી શકશે. મહત્વનું છે કે કોરોના સંક્રમણ વધતા છેલ્લા 2 મહિનાથી જલારામ મંદિરમાં દર્શન બંધ હતા.


નોંધનીય છે કે, 11 જૂનથી નિયમો હળવા કરાયા બાદ મોટાભાગના મંદિરો ખુલી ગયા છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી ગયું છે. દ્વારકા મંદિર પણ 11 જૂનથી ખુલી ગયું છે.


જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. એ જ રીતે ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર, માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર, ભાવનગરનું ખોડીયાર મંદિર 11મીથી ખુલી ગયા છે. જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર 11મીથી ખુલી ગયા છે.


રાજ્ય સરકારની નવી નવી ગાઇડ લાઇન જાહેર થયા બાદ કચ્છનું માતાનામઢ માં આશાપુરાનું મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલશે. જો કે અહીં કોરોનાકાળના કારણે અતિથીગ્રહ અને ભોજનશાળા હજી પણ બંધ રહેશે.


યાત્રાધામ અંબાજી મંદિર આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. દોઢ મહિના બાદ મંદિર ભક્તો માટે ખુલ્યું છે. શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે સાડા સાતથી 10.45 વાગ્યા સુધી, બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના સાતથી નવ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.


અંબાજીમાં દર્શન માટે આવનારા તમામ યાત્રિકો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડની માર્ગદર્શિકાનું પાલન પ્રત્યેક શ્રદ્ધાળુઓએ કરવાનું રહેશે. ચાચરચોકમાં અથવા ગર્ભગૃહની સામે દર્શનાર્થીઓ ઊભા રહી નહિ શકે. દર્શન કરવા આવતા તમામ શ્રદ્ધાળુઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.


શક્તિદ્વારથી તાપમાન ચકાસણી કરાવી, સેનેટાઈઝેશન કરી થર્મલ સ્ક્રિનિંગથી પ્રવેશ મેળવવાનો રહેશે. ટ્રસ્ટ તરફથી સોશલ ડિસ્ટસિંગ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. એટલુ જ નહી શ્રદ્ધાળુઓએ મંદિરમાં કોઈ જગ્યાએ અડવાનું નથી. સાથે જ દંડવત પ્રણામ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.