જામનગરઃ જામનગરના ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાની દાદાગીરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, રચના માડમ નંદાણિયા સાંસદ પૂનમ માડમ કઝિન હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

મળતી જાણકારી અનુસાર, ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયા શહેરના તળાવની પાળ વિસ્તારમાં રેકડી અને પાથરણાવાળાને રોકાણ વિભાગ દ્ધારા હેરાન કરતા હોવાની ફરિયાદ લઈને આસી.કમિશનર મુકેશ વરણવાની ચેમ્બરમાં લાડકી લઈને પહોંચી ગયા હતા અને લાકડી બતાવી ટેબલ પર પડેલી ફાઇલો ફેંકી દીધી હતી.

રચના નંદાણીયાએ જેએમસીના કર્મચારીઓ ગરીબ માણસોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરી ફાઇલો ફેંકી દીધી હતી. રચનાબેનના મતે તેમણે અનેકવાર આ અંગે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. આખરે રચનાબેન હાથમાં લાકડી લઇને કોર્પોરેશન ઓફિસ પહોંચી ગયા હતા અને દાદાગીરી કરી હતી.

વીડિયો વાયરલ થયા બાદ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જણાવ્યું હતું કે, હું પોલીસથી ડરતી નથી. હવે ગરીબ માણસોને નગરપાલિકાના કર્મચારીઓ પરેશાન કરશે તો તેમને માર પણ પડશે. જોકે, બાદમાં કમિશનરે કોર્પોરેટર રચનાબેર નંદાણિયાને શાંત પાડી તેમના પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી.