જામનગરઃ ગુજરાતમાં આગામી 21મી ફેબ્રુઆરીએ 6 મનપા માટેની ચૂંટણી યોજાવાની છે. ગઈ કાલે ભાજપ દ્વારા તમામ મનપાની સીટો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે કેટલાય દિગ્ગજ નેતાઓની ટિકિટ ભાજપે આ વખતે કાપી નાંખી છે. ત્યારે જામનગરમાં ભાજપમાં ટિકિટ ફાળવણી બાદ આંતરિક રોષ બહાર આવવા લાગ્યો છે. ગત ટર્મમાં ડેપ્યુટી મેયર રહેલા કરશન કરમુરે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.


કરશન કરમૂરનો આક્ષેપ છે કે, બીજા બધાના સગા વ્હાલાને ટિકિટ આપી. હું પાંચ ટર્મથી ચૂંટાઈ ને આવું છે મારા સગા વ્હાલાને કેમ નહિ. નોંધનીય છે કે, વડોદરામાં પણ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપકનું પત્તુ કપાયું છે. પુત્રનું પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ છે.

આ અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાત કરતાં જણાવ્યું હતું કે, પક્ષની યાદીમાં નામ ન હોવા છતા પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલ ઉમેદવાર 302નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો હતો. પુત્ર કાર્યદક્ષ હોવા છતા પણ પત્તુ કપાતા ધારાસભ્ય નારાજ હોવાનું તેમણે જણાવ્યું હતું.