જામનગરઃ જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈડ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડસ ડેની ઉજવણી કરવામાં આવે છે. જળપ્રવાલીત વિસ્તારો જેવા કે નદી સરોવરના સંરક્ષણ અને જાળવણી અને લોક જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
આજે જામનગરમાં આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈડ જાહેર કરવામાં આવતા જામનગર વહીવટી તંત્ર અને પક્ષી પ્રેમીઓમાં ખુશીની લાગણી ફરી વળી છે.
અગાઉ વડોદરાના વઢવાણા સરોવરને રામસર સાઈટ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં અમદાવાદથી ૨૮ કિમી દૂર આવેલા થોળ સરોવરનો પણ સમાવેશ કરાયો હતો. આમ, ગુજરાતમાં કુલ ચાર ખીજડીયા, નળ સરોવર, થોળ અને વઢવાણા ચાર રામસર સાઈટ બની ગઈ છે. વડોદરાથી ૪૫ કિમી દૂર આવેલા વઢવાણા સરોવરમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.
૧૯૬૦ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે એક સંધિની રુપરેખા તૈયાર કરાઈ હતી. એટલે તેના અમલ માટે વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ગામે નિષ્ણાતોની મીટિંગ યોજાઈ હતી. જેથી આ સંધિ રામસર તરીકે ઓળખાય છે. ભારતમાં કુલ ૪૬ રામસર સાઈટ આવેલી છે, સાઈટનું પ્રથમ બહુમાન ૧૯૮૧માં ઓરિસાના ચિલકા તળાવ અને રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને મળ્યું છે.