જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામની સીમમાં યુવાનની હત્યા કરીને અર્ધનગ્ન હાલતમાં લાશ બાવળની ઝાડીમાં ફેંકી દેવાના ગુનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે લોકોની પોલીસે અટકાયત કરી છે. આડાસંબંધમાં હત્યા થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


જામનગરના ગોકુલનગરમાં રહેતો અને મૂળ લાલપુરના રાફુદળનો વતની જયેશ કરમશીભાઈ મઘોડીયા (ઉ.વ.27)ની ગુરૂવારે સવારે ગજણા ગામની સીમમાંથી અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. મૃતકનો મોબાઈલ ફોન અને પાકીટ ગાયબ હોવાથી લાલપુર પોલીસે હત્યા, લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, વાડીમાં કામ કરતા પરપ્રાંતિય દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીને જામનગરના યુવાન સાથે આડા સંબંધ અંગે પતિને જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. યુવતી રાફુદડ આવે ત્યારે યુવકને મળતી હોવાની વાડી માલિકને જાણ થતા તેણે સરપંચને વાત કરી હતી. આથી સરપંચે મૃતકના ભાઈને વાત કરતા મૃતકના ભાઈએ એમ.પી.ના શખ્સ સામે શંકા વ્યક્ત કરી હતી.

બીજી તરફ હત્યા પછી તેઓ રાતો-રાત એમ.પી.જવા નિકળી ગયા હતાં. જેથી લાલપુર પોલીસની એક ટીમે તેનો પીછો કર્યો હતો અને યુવતીના પતિ સહિત બે શખ્સોની એમ.પી.માંથી અટકાયત કરી છે. બન્ને શખસોને લઈને જામનગર આવવા માટે રવાના થઈ ગઈ છે. તે બન્ને શખ્સોએ પણ આડા સંબંધમાં હત્યા કર્યાની કબુલાત કરી છે.