જૂનાગઢઃ વલસાડના જૂજવામાં અનેક યોજનાઓના લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જૂનાગઢ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ  જૂનાગઢમાં મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કર્યું હતું.


કાર્યક્રમમાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, એક જ કલાકમાં 500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય એનાથી ખ્યાલ આવે છે એ દેશ બદલાઇ રહ્યો છે તેનું ઉદાહરણ છે. જીવનમાં મેડિકલ લોકોને મદદરૂપ થશે. જન ઔષધી કેન્દ્રો દ્વારા 300ની દવા 30 રૂપિયામાંમાં મળતી થઈ છે, 80 ટકા રકમ બચી છે. અગાઉની સરકારે નક્કી કર્યું કે કચ્છ સૌરાષ્ટ્રમાં ડેરી ના બને. આજે સૌરાષ્ટ્રના બધા જિલ્લા અને કચ્છમાં ડેરીનો વિકાસ થયો.

મોદીએ કહ્યું કે, આરોગ્ય ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં મૂડી રોકાણ આવશે. આગામી 25 સપ્ટેમ્બરથી આખા દેશમાં આયુષ્યમાન યોજનાનો પ્રારંભ થશે. આ યોજનાથી 10 કરોડ પરિવારને આરોગ્ય સુવિધા આપવામાં આવશે. જૂનાગઢ બાદ મોદી ગાંધીનગરમાં ગુજરાત ફોરેંસિક સાયંસ યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ દિલ્હી જવા રવાના થશે.