દ્વારકા: દ્વારકાના ખંભાળિયામાં રહેતા ભૂપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. થોડા દિવસથી તેઓ રજા પર વતન આવ્યા હતાં. આતંકી હુમલા બાદ ભૂપેન્દ્રસિંહની રજા પૂર્ણ થતાં હોવાથી ફરી ફરજ પર જવાનું કહેતા પત્નીએ ઈન્કાર કરી દીધો હતો.



પરંતુ દેશની સુરક્ષા માટે ભૂપેન્દ્રસિંહે વાત કરી પરંતુ પત્ની મીનાક્ષીબા જેઠવા માની ન હતી અને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિણીતા આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ચકચાર મચી ગઈ હતી.



તાજેતરમાં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થવાની ઘટનાથી મીનાક્ષીબા ગભરાઈ ગયા હતા. જેના પગલે રજા ઉપર આવેલા ભૂપેન્દ્રસિંહ જેઠવાને ફરજ ઉપર પરત ન જવા માટે દબાણ કર્યું હતું.



જોકે પતિએ દેશની સુરક્ષા માટે જવાની વાત કહી હતી. આ વાતનું ખોટું લાગી આવતાં પત્નીએ સવારે પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે પતિ ભૂપેન્દ્રસિંહ જેઠવા સહિત પરિવારમાં શોક ફેલાયો હતો.