અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતી વખતે જયરાજસિંહ પરમારે આક્રમકતા બતાવીને કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સામે આકરા પ્રહારો કર્યા હતા.


જગદીશ ઠાકોરે કહેલું કે, કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરવું જોઈએ. તેની સામે આકરી પ્રતિક્રિયા આપતાં પરમારે કહ્યું કે, હું શાયરી લખું તેમાં પાર્ટીએ નાચવાની વાત ક્યાં આવે છે ? ને જગદીશભાઈએ કેટલી વાર પાર્ટીને નચાવી છે એ દુનિયા નથી જાણતી ? હું નથી જાણતો ને ? એ કચ્ચા ચિઠ્ઠા નહીં ખૂલે ? જગદીશભાઈએ જીપીસીસીની ઓફિસે લોકોને લાવીને ધોકા ને ધારિયાં મરાવેલાં એ લોકોએ નથી જોયાં ? એટલે મહેરબાની કરજો. મારી નાખું ને કાપી નાંખું ને ભુક્કા કરી નાંખું એવું બધું લોકશાહીમાં ના હોય. જગદીશભાઈએ ભૂતકાળમાં પાર્ટીને કેટલી વાર નચાવી છે એ કહેવું જોઈએ.


જગદીશ ઠાકોરે પોતાને મનાવવાના પ્રયાસો કર્યા નથી એવો આક્ષેપ કરતાં જયરાજે કહ્યું કે, બધાં જૂઠાણાં ફેલાવવામાં આવે છે. જગદીશભાઈએ અઠવાડિયા પહેલાં કંઈ કામ હશે એટલે ફોન કર્યા હશે પણ બુધવારે એક પણ ફોન કર્યો નથી. પ્રભારી રઘુ શર્માએ પણ મને કોઈ ફોન કર્યો નથી.


મહેસાણા કોંગ્રેસના કાર્યકરોના ભાજપ પ્રવેશ અંગે જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, પક્ષ પલટો કરાવવાનું વર્ષોથી ચાલે છે અને હવે પછી પણ ચાલશે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ગુજરાત આવે એ પહેલાં પણ ભાજપ આવું જ કરશે. વાત માત્ર એટલી છે કે એમનું તળિયું નથી રહ્યું ને બીજાનું ઉછીનું લઈ રહ્યા છે. અગાઉ ભાજપ પ્રમુખ કહેતા કે અન્ય પાર્ટીના નેતાની જરૂર નથી. હવે કોંગ્રેસના નેતાઓને લઈને થૂંકેલું ચાટે છે.


તેમણે દાવો કર્યો હતો કે, જયરાજસિંહ પરમાર સાથે ગઈકાલ સુધી વાર્તાલાપ ચાલ્યો હતો. 2-3 દિવસમાં એમના પ્રતિ ઉત્તર આવે એ પછી  કોઈ નિર્ણય પર આવીશું. તેમણે કહ્યું કે, પરિવારના સભ્યોની વાતને હું હંમેશા માનું છું.


તેમણે કહેલું કે, કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કે કોંગ્રેસને નચાવવાનું બંધ કરવું જોઈએ. કાર્યકરો કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઉભી ના કરે એ જરૂરી છે અને જેને યોગ્ય ન લાગે એ જગ્યા કરી શકે છે. ખોટી મૂંઝવણમાં રહ્યા વગર સ્પષ્ટતા કરે કે શું કરવું છે.