જૂનાગઢઃ માળીયા હાટીના તાલુકાની સગીરા પર તેની શાળાના શિક્ષકે નજર બગાડી શારીરિક અડપલાં કર્યા હતા. તેમજ અન્ય ત્રણ શખ્સોએ અલગ અલગ સમયે સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાએ પોલીસની મદદ માંગતા શિક્ષક સહિત ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસનો ઘમઘમાટ શરૂ કરી તમામ આરોપીઓને ઝડપી લેવા પોલીસની ટીમોએ તપાસ હાથ ધરી છે.
ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું કે, માળીયા હાટીના તાલુકાની ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને તેના શિક્ષક છેલ્લા બે વર્ષથી રૂબરૂમાં અથવા ફોન મારફત વાતચીત કરી અશ્લીલ માંગણી કરતો હતો. એટલું જ નહીં પણ મોકો મળે ત્યારે આશારીરિક અડપલા કરતો હતો. ઉપરાંત છ માસ પહેલા સગીરા વાડીએ કામ કરવા ગઈ ત્યારે તે વાડીના માલિકના ભત્રીજાએ પણ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, છેલ્લા દોઢેક વર્ષ દરમિયાન સગીરાને તેના ઘરેથી ખોરાસા ગામની સીમમાં તથા કેશોદ રાજધાની હોટલમાં લઇ જઇને ચારેક વખત પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા.
સગીરાના ગામમાં જ રહેતા અન્ય એક શખ્સે પણ ચારેક મહિના પહેલા સગીરાની એકલતાનો લાભ લઈ તેના ઘરે તથા શેરીમાં આવેલા નવા બનતા મકાનમાં જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યા હતા. ગત તા.7-10-21ના રોજ વધુ એક શખ્સે સગીરાને શિક્ષકના ત્રાસમાંથી મુક્ત કરાવી દેવાની લાલચ આપી પોતાના એક્ટીવા મોટર સાયકલ ઉપર બેસાડી લઇ જઇ વેરાવળ સોમનાથ તથા ખોરાસા ગામે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનું સગીરાએ ફરીયાદમાં જણાવ્યું છે.
આ અંગે સગીરાના વાલીઓને જાણ થતા તેઓ ચોકી ઉઠ્યા હતા. આ મામલે સગીરાએ ઉપરોક્ત વિગતો સાથે પોતાના શિક્ષક સહિત ચારેય શખ્સો સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવી ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું ડીવાયએસપી પુરોહિતે અંતમાં જણાવ્યું છે.