જૂનાગઢઃ દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમાને લઈને આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જોકે, બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખતા મીડિયાકર્મીઓ ધરણા પર ઉતર્યા છે. જૂનાગઢના તમામ મીડિયાકર્મીઓ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર ઉતર્યા છે. બીજી તરફ લીલી પરિક્રમાને આ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને માત્ર 400 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. આમ, આ વર્ષે પ્રતિકાત્મક રીતે પરીક્રમા યોજાશે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે પરીક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી. 

Continues below advertisement

આ મુદ્દે આજે બંધ બારણે ભાજપના પદાધિકારીઓ અને સાધુસંતો સાથે બેઠક થઈ હતી. પરંતુ આ બેઠકમાં મીડિયાકર્મીઓને દૂર રાખવામાં આવતાં ધરણા પર ઉતર્યા હતા. મહત્વનું છે કે, પ્રથમવાર આ રીતે મીડિયાને લીલી પરિક્રિમાની બેઠકથી દૂર રખાયું હતું કે જે એક રીતે તો મીડિયાકર્મીઓનું અપમાન જ કહેવાય. પત્રકારો ધરણા પર ઉતરતાં મેયર ધીરુભાઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.  દર વર્ષે કારતક સુદ અગિયારસથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય છે.  ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે. ગત વર્ષે જિલ્લા કલેક્ટરે જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના રોગચાળાને કારણે બંધ રાખવાનો આદેશ કર્યો હતો.

નોંધનીય છે કે, ગત વર્ષે કોરોના મહામારીને કારણે લીલી પરિક્રમાને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ ઘટ્યું હોવાથી લીલી પરિક્રમાને મંજૂરી મળશે, તેવો આશાવાદ ભક્તો વ્યક્ત કરી રહ્યા હતા. જે પ્રમાણે આ વખતે પરીક્રમાને મંજૂરી મળી ગઈ છે. જોકે, 400 લોકો જ પરીક્રમામાં ભાગ લઈ શકશે. 

Continues below advertisement