Junagadh Crime: રાજ્યમાં અનાજનું વધુ એક કૌભાંડ ખુલ્લુ પડ્યુ છે. જુનાગઢમાંથી સરકારી અનાજની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો છે. દરોડાની કાર્યવાહી દરમિયાન જિલ્લાના બીલખા ગામમાં આવેલું ગેરકાયદે અનાજના ગોડાઉનને સીઝ કરવામાં આવ્યુ છે, આ ગોડાઉનમાંથી 10 લાખનો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવ્યો છે. 

Continues below advertisement

રાજ્યમાં સરકારી અનાજને સગેવગે કરવાનું કૌભાંડ મોટાપાયે વકર્યુ છે, ગેરકાયદે અનાજને વેચી મારવાનું કૌભાંડ જુનાગઢમાંથી પકડાયું છે. મળતી માહિતી પ્રમાણે, જુનાગાઢમાં સરકારી અનાજના ગોડાઉન પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઇમ્તિયાઝ ચોટલીયા નામના શખ્સના બીલખાના ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ઇમ્તિયાજ ચોટલીયા સરકારી અનાજને સગેવગે કરે તે પહેલા જ કાર્યવાહી થતાં ગોડાઉનમાંથી અંદાજિત 10 લાખની કિંમતનો અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

દરોડાની કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી ૭૩૫૦ કિલો ઘઉં મળી આવ્યા હતા, જેની કિંમત ૧,૯૮,૪૫૦ રૂપિયા છે. આ ઉપરાંત ૧૭૫૦ કિલો ચોખા પણ મળી આવ્યા હતા જેની કિંમત ૬૮,૨૫૦ રૂપિયા થાય છે. આ અનાજ ઉપરાંત ગોડાઉનમાંથી ઘઉં+ચોખા (મિક્સ) કેટેગરીમાં પણ મળી આવ્યા હતા, જે ૧૬,૯૦૦ કિલો હતા, જેની હાલની કિંમત ૬,૫૯,૧૦૦ રૂપિયા છે. આ સમગ્ર દરોડામાં કુલ અનાજની કિંમત ૯,૨૫,૮૦૦ રૂપિયાની નીકળી હતી. આ સાથે એક આઇશર ટ્રકને પણ કબજે લેવામાં આવ્યુ હતુ. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

Continues below advertisement

આ પહેલા ખેડામાં અનાજ કૌભાંડ ઝડપાયુ હતુ

ખેડાના નડિયાદમાં ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.  નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. મોટાપાયે ગેરરિતિ થતી હોવાની માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની સસ્તા અનાજની દુકાનમાંથી ગેરરિતિ ઝડપાઈ હતી. જેને લઈ શહેર મામલતદાર દ્વારા સસ્તા અનાજની દુકાનના સંચાલક સંજયભાઈ સચદેવ અને કોમ્પ્યુટર ઓપરેટર રાજવીર છાસટીયા વિરૂદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ભાજપના કૌભાંડી કાઉન્સિલર સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ભાજપે તમામ હોદ્દા પરથી હટાવ્યો

સસ્તા અનાજની દુકાન ચલાવતા સંચાલક સંજયભાઈ સચદેવ નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં 3ના ભાજપના કાઉન્સીલર અને નડિયાદ શહેર સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ પણ છે. ગરીબોનું અનાજ સગેવગે કરવાનો પર્દાફાશ થતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે સંજય સચદેવને ભાજપના તમામ હોદ્દા પરથી દૂર કરી દીધા હતા. પોલીસે સંજય સચદેવ અને ઓપરેટર રાજવીર છાસટીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન દુકાનમાંથી બોગસ ફિંગર પ્રિન્ટ મશીન અને અન્ય એક સોફ્ટવેર મળી આવ્યું હતું. જેના થકી સસ્તા અનાજના કાળો કારોબાર ચલાવાતો હતો.  સ્ટેટ પુરવઠા વિભાગના દરોડામાં ડમી ફિંગરપ્રિન્ટના આધારે કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો બહાર આવવા પામી છે.

દુકાનમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી

દુકાનમાંથી મળી આવેલ લેપટોપમાં તેમજ પેનડ્રાઇવમાં તપાસ કરતા શકાસ્પદ અંદાજિત 316 ફિંગર પ્રિન્ટ ઇમેજીસ તથા માય ડેટા નામની મોબાઇલ એપ્લિકેશનના સ્ક્રીનશોટની અંદાજીત 2171 ફિંગર પ્રિન્ટ ઇમેજી મળી એમ કુલ અંદાજીત 2487 ફિંગર પ્રિન્ટ તસવીરો મળી આવી હતી. તેમજ દુકાનમાથી વધારાના 23 રેશનકાર્ડ, 1 ચૂંટણીકાર્ડ,4 આધારકાર્ડ, 1 લેપટોપ, 3 મોબાઈલ, મંત્રા ડિવાઇસ અને પેનડ્રાઈવ મળી આવ્યા હતા. તમામ શંકાસ્પદ સામગ્રી કબજે લઈ તેની સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.