Junagadh Rains: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેને લઈ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ ઉભી થઈ છે તો ઘણા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. આ દરમિયાન જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલો હસ્નાપૂર ડેમ છલકાયો હતો. ગિરનારમાં ભારે વરસાદ બાદ ડેમમાં નવા નીર આવ્યા છે. હસ્નાપુર ડેમ જૂનાગઢ પંથકનો મહત્વનો ડેમ છે અને જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડે છે. આ  ડેમ પર્યટકોનું પ્રિય સ્થળ પૈકીનું એક છે અને સોરઠનું સ્વર્ગ માનવામાં આવે છે.


રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે   અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધામાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં સિઝનનો અત્યારસુધીનો 44.29 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 66.13 અને કચ્છના વિસ્તારોમાં 58.40 ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારસુધીમાં 50 ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાતમાં 24.90 ટકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિઝનનો 24 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના કુલ 207 જળાશયોમાંથી 31 જળાશયો સંપૂર્ણ રીતે ભરાય ગયા છે. જ્યારે 60 જેટલા જળાશયોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 28 અને કચ્છ જિલ્લામાં આવેલા ત્રણ જેટલા જળાશયો ઓવરફ્લો થયાં છે.


હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.