જુનાગઢઃ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં તાલુકામાં આભ ફાટ્યું હતું. ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. જ્યારે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા તો ખેડુતોના ખેતરોમાં એક એક ફુટ જેટલા પાણી ભરાતાં ખેડુતો પાયમાલ થયા છે. જ્યારે જૂનાગઢ જિલ્લામાં બે જગ્યાએ વીજળી પડવાની ઘટના બની છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. 


માંગરોળના મીતી ગામે વિજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે ચંદવાણા ગામે મકાન ઉપર વિજળી પડતાં પ્લાસ્ટર તુટયું હતું. સદનશીબે જાનહાની ટળી છે. તો બીજી તરફ માંગરોળના ગોરેજ ગામે ખેતરોમાં એક ફુટ જેટલા પાણી ભરાયા હતા. જ્યારે ફાર્મહાઉસ તેમજ રૂદલપુર ગામે લોકોના ઘરોમાં પાણીઘુસ્યાના બનાવો સામે આવ્યા છે. માંગરોળ તાલુકાના ગામડાઓમાં છેલ્લા 15 કલાકથી વિજળી થઈ છે ગુલ તો બીજી તરફ પીજીવીસીએલના કોઇપણ માંગરોળના અધિકારીઓ ફોન નહી ઉપાડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 


ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યમાં અનેક જગ્યાએ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના 14 સ્ટેટ હાઈવે, એક નેશનલ હાઇવે સહિત 140 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવા પડ્યા છે. 


 


ભારે વરસાદને પગલે સૌથી વધુ રાજકોટના 21, વડોદરાના 16, જૂનાગઢના 15, ભરુચના 12, સુરતના 12, પોરબંદરના 12, નર્મદાના 11, નવસારીના 10 માર્ગો બંધ છે. 


 




 


ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એ પછી અમરેલીના લીયામાં 6 ઇંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા અને કલ્યાણપુરમાં 5.5 ઇંચ, જૂનાગઢના માંગરોળ, અમરેલીના જાફરાબાદ અને ભરુચમાં સવા 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં 121 તાલુકામાં એક ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.