રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાના અહેવાલ મળ્યાં છે. આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર  એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.  આ પેપર સાતથી દસ લાખ રુપિયામાં પેપરનો સોદો કરતા હોવાનો  ખુલાસો થયો છે. પેપર ખરીદનાર તમામ પરીક્ષાર્થીઓ સામે પણ કાર્યવાહી કરાશે. 40 જેટલા લોકોએ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ખરીદ્યુ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરાઈ છે. પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ પેપર લીક થયુ હોવાની માહિતી છે.


પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા


ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં  પરીક્ષા મોકૂફ રાખવામાં આવી  છે. સમગ્ર મામલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાધિક  કચેરિયાએ  એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે,  આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.


જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.


આજે ગુજરાત પંચાયત સેવા પસંદગીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા હતી. સાડા નવ લાખ જેટલા ઉમેદવારો આજે આ પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી જેને લઈને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા. આખી રાત મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા અને ત્યારે જ સમાચાર આવ્યા કે પેપર લીક થયું છે. જેને લઈને તમામ ઉમેદવારોમાં એક રોષ જોવા મળ્યો. એક પછી એક દર વર્ષે પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનો નિરાશા સાંપડે છે અનેક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પણ આવ્યા પરંતુ પ્રશાસનની બેદરકારીના કારણે આ પરીક્ષા મોકૂફ રહી.


પેપર ફોડનાર આરોપીને ATSએ મધરાત્રે જ કરી લીધા હતા અરેસ્ટ


જુનિયર ક્લર્કની પરીક્ષાનું પેપર ફોડવાનો સમગ્ર પર્દાફાશ કરવામાં ATSને મોટી સફળતા મળી છે. ATSને ગત રાત્રે જ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આજે યોજનાર જુનિયર કલર્કની પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થતા પરીક્ષાર્થીઓ નિરાશ થયા હતા જો કે આ પેપર હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા હતા અને અહીંથી જ લીક થયા હતા અન વડોદરા માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. પેપેર કોભાડમાં વડોદરાની સ્ટેક વાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરવામાં આવી છે. સરકારે આ કૌભાંડ સવારે મીડિયા દ્રારા પ્રકાશમાં આવ્યું પહેલા જ ATSએ આરોપીની ધરપકડ કરી લીધી હતી. ATSસે રાત્રે 2.14 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ જતાં તેના ફૂટેજ સામે આવ્યો છે.