વિધિવત ચોમાસું બેસવાને તો છે હજુ વાર પણ તે પહેલાં તો પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરુપે અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અમરેલીના સાવરકુંડલા અને લાઠી તાલુકાના વાતાવરણમાં મંગળવારે આવ્યો અચાનક પલટો. મંગળવાર બપોર સુધી પડી કાળઝાળ ગરમી અને બાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતાની સાથે જ વરસાદ ખાબક્યો હતો.
ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સાવરકુંડલાના નાળ ગામે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તો લાઠી શહેરમાં મેઘરાજાને વધાવવા માટે બાળકો ઝૂમી ઉઠ્યા હતા. સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જ્યાં ભારે પવન સાથે એવો તે વરસ્યો વરસાદ કે ઝાડની ડાળીઓ તૂટીને નીચે પડી ગઈ હતી.
સાવરકુંડલા શહેર સહિત તાલુકાના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સાવરકુંડલાની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તો દામનગરમાં પણ વરસાદ પડ્યો હતો. તો તાલુકાના મેકડા, શેલણા, ધોબા, પીપરડી, નાળ, મેવાસા અને સેંજળ સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો. પહેલા સારા એવા વરસાદના કારણે જિલ્લામાં આવેલી શેત્રુંજી અને નાળ ગામની સ્થાનિક નદીમાં પાણી આવ્યા છે.
બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો
તો આ બાજુ બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ મંગળવારે બપોર બાદ પલટો આવ્યો છે. જિલ્લાના ગઢડા, ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ઢસાના જલાલપુર માંડવા, વિકળીયા, પાટણા, રસનાળ, પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉણ, ભલગામ,પાદર સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યુ હતું. તો પાટણના સાંતલપુર, લોદરા, વારાહી, માનપુરા બામરોલી, સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.