ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ અરવિંદ કુમારની નિમણૂંક કરવામાં આવી છે. જસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં કાર્યરત હતા. સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા કર્ણાટકના જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂંક આપવાની ભલામણ કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલવામાં આવી હતી. આ ભલામણ સંદર્ભે કેન્દ્રીય કાયદા મંત્રાલયે નિર્ણય લીધો છે અને જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. જસ્ટિસ અરવિંદ કુમારનો જન્મ 14 જુલાઈ 1962 ના રોજ થયેલો છે.  જસ્ટિસ અરવિંદ કુમાર કર્ણાટક હાઈકોર્ટમાં 26 જૂન , 2009 માં એડિશન જજ તરીકે નિયુક્ત પામ્યા હતા. આ પછી 07 ડિસેમ્બર 2012 ના રોજ તેમને કાયમી જજ તરીકે નિયુક્ત કરાયા હતા. જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987 માં વકીલાત શરુ કરેલી. તેમણે કર્ણાટકની નીચલી અદાલત અને હાઈકોર્ટમાં વકીલાત કરેલી છે.


વર્ષ 1999 માં તેઓ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિમાયા હતા. વર્ષ 2005 માં તેમની નિમણૂંક આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ તરીકે કરાઈ હતી. આ ઉપરાંત , તેમણે સીબીઆઈના ખાસ સરકારી વકીલ તરીકે પણ ફરજ નિભાવેલી છે. વિવિધ કોર્પોરેશન અને કંપનીના કાયદાકીય સલાહકાર તરીકે પણ તેમણે ફરજ નિભાવેલી છે. છેલ્લા 12 વર્ષથી કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે કાર્યરત રહ્યા છે. 


આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી


નવરાત્રીની શરૂઆતની સાથે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર  દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ હતી.  


રવિવારે સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સોમવારે ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, જ્યારે મંગળવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, દીવમાં 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.