ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવું કાજલ હિંદુસ્તાનીને ભારે પડ્યું છે. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાનીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન નામંજૂર કર્યા છે. રામ નવમીના દિવસે ઉનામાં ધર્મસભાને કાજલ હિંદુસ્તાનીને સંબોધી ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી ઉઠી હતી. 1 એપ્રિલના રોજ ઉના પોલીસે લગભગ 75 કથિત તોફાનીઓ વિરુદ્ધ FIR નોંધી હતી. તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. કાજલ હિંદુસ્તાની સામે IPC કલમ 295(A) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રામનવમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીના ભાષણને કારણે સર્જાયેલી તંગદિલી વચ્ચે ઉના શહેરના એક સંવેદનશીલ વિસ્તારમાં શનિવારે રાત્રે બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે કાજલ હિન્દુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ કરતા હિંસા ભડકી હતી.
કાજલ હિન્દુસ્તાની મૂળ રાજસ્થાનના સિરોહીના છે અને હાલમાં ગુજરાતના જામનગર અને અમદાવાદમાં રહે છે. કાજલ હિન્દુસ્તાની ખુલ્લેઆમ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરે છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. તે સોશિયલ મીડિયા પર આવા વીડિયો પોસ્ટ કરતી રહે છે. રામનવમીના દિવસે પણ તેઓ એક હિન્દુ સંમેલનમાં પહોંચ્યા હતા અને ભાષણ આપ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં રામનવમી બાદ અચાનક પથ્થરમારો થયો હતો. કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારો થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગ્યા હતા. પથ્થરમારા બાદ દુકાનો પણ ટપોટપ બંધ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. મોડી રાતે SRPની એક ટૂકડી પણ ઉતારી દેવાઈ હતી. રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાએ પણ અલગ-અલગ વિસ્તારમાં જઈ પેટ્રોલિંગ કર્યું હતું. 70થી વધુ લોકોને રાઉન્ડ અપ કરાયા હતા. તેમની પાસે તલવાર, બેઝ બોલના ધોકા, હોકી સ્ટીક, લોખંડના પાઈપ સહિતના તીક્ષ્ણ હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
પથ્થરમારાની આ ઘટના કાજલ હિંદુસ્તાનીના ઉશ્કેરણીજનક ભાષણ બાદ બની હતી. ઉનામાં રામનવમીના દિવસે કાજલ હિંદુસ્તાનીએ ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ત્યારથી જ ઉનામાં તંગદિલીનો માહોલ હતો. રાત્રે પથ્થરમારો થતાં પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. ઉના પોલીસે કાજલ હિંદુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પથ્થરમારો કરનાર ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો હતો.