Local Body Election 2025: ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુતિયાણામાં મોટા ઉલટફેરના એંધાણ દેખાઇ રહ્યાં છે. તાજા રિપોર્ટ પ્રમાણે, કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી હવે ઝંપલાવ્યુ છે, કાંધલ જાડેજાના સમર્થક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તાજેતરમાં જ કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ પણ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. છેલ્લા એક દાયકાથી કુતિયાણા નગરપાલિકા પર ભાજપનો દબદબો છે જ્યારે એક દાયકાથી કુતિયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો દબદબો યથાવત છે.


મહત્વનું છે કે, છેલ્લે 2022ની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરીબળો થોડા અંશે બદલાયા છે. કેમકે અત્યાર સુધી કાંધલ જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી કરી નથી, પરંતુ 2022માં ઢેલીબેન કાંધલ સામે ચૂંટણી લડતા તમામ પરિબળો બદલાવવા લાગ્યા હતા. દિગ્ગજ નેતા મોઢવાડિયાની ભાજપમાં એન્ટ્રી થતા જ કુતિયાણા સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ માત્ર નામશેષ બની ગઇ છે, હવે આ વખતે કુતિયાણામાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી શકે છે. 


ઉમેદવારોની ફોર્મ ભરવા માટે પડાપડી - 
રાણાવાવ પાલિકા અને કુતિયાણા પાલિકામાં ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે પાંચમા દિવસે રાણાવાવમાં કુલ 28 ફોર્મ ઉપડ્યા જ્યારે કુતિયાણામાં એકપણ ફોર્મ ઉપડ્યા નથી. અત્યાર સુધીમાં કુલ 26 ફોર્મ ભરાયાં છે. પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા પાલિકા ચૂંટણી તા.16 મી ફેબ્રુઆરીના રોજ યોજાશે અને 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છે અને બંને પાલિકામાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે પાંચમા દિવસે રાણાવાવ પાલિકા ચૂંટણી માટે 28 ફોર્મ ઉપડ્યા છે જેમાં ભાજપ માંથી 15 ફોર્મ, 3 કોંગ્રેસ, 10 સમાજવાદી પાર્ટી માંથી ફોર્મ ઉપડ્યું છે. જ્યારે કુતિયાણા પાલિકાની ચૂંટણી માટે પાંચમા દિવસે એકપણ ફોર્મ ઉપડ્યું નથી. અત્યાર સુધીમાં રાણાવાવ પાલિકામાં કોંગ્રેસના 5 ઉમેદવારે ફોર્મ ભર્યા છે જ્યારે કુતિયાણા પાલિકાની ચૂંટણી માટે બીજેપી ના 11 ઉમેદવાર અને સમાજવાદી પાર્ટીના 10 ઉમેદવારે ફોર્મ ભર્યા છે. હજુ તા. 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ઉપડશે અને ફોર્મ ભરાશે. ત્યારબાદ તા. 3 ફેમ્બ્રૂઆરીએ ફોર્મ ચકાસણી શરૂ થશે.


રાણાવાવ પાલિકાની ચૂંટણી માટે 5 દિવસમાં કુલ 145 ફોર્મ ઉપડ્યા છે જેમાં સમાજવાદી પાર્ટીના 53 ઉમેદવાર, અપક્ષ 12 ઉમેદવાર, કોંગ્રેસના 24 ઉમેદવાર અને બીજેપી ના 55 ઉમેદવાર એમ 145 ફોર્મ તેમજ કુતિયાણા પાલિકામાં ચૂંટણી લડવા માટે 3 દિવસમાં કુલ 110 ફોર્મ ઉપડ્યા છે જેમાંથી બીજેપી માંથી 50 ફોર્મ જ્યારે 5 ફોર્મ અપક્ષ, 30 ફોર્મ સ.પા અને 1 ફોર્મ ગુજરાત કિશાન મજદૂર લોક રક્ષણ પાર્ટી માંથી ફોર્મ ઉપડ્યું છે. રાણાવાવ રામગઢ સીટ ની પેટા ચૂંટણી માટે કુલ 2 ફોર્મ ઉપડ્યા છે.


આ પણ વાંચો


સૌથી મોટા સમાચાર, આ તારીખોમાં રાજ્યની 7,000 ગ્રામ પંચાયતોમાં યોજાઇ શકે છે ચૂંટણી, વાંચો અપડેટ