નવી દિલ્હીઃ CPI નેતા અને જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આગામી 28 સપ્ટેમ્બરના રોજ કોગ્રેસમાં સામેલ થશે. જોકે, હજુ સુધી કોગ્રેસ પાર્ટી અને સંબંધિત નેતાઓએ કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.


 






અગાઉ એવી જાણકારી સામે આવી હતી કે કન્હૈયા કુમાર કોગ્રેસ પાર્ટીના સંપર્કમાં છે. છેલ્લા દિવસોમાં તેમણે કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કન્હૈયા કુમારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્તર પર ભાજપ વિરુદ્ધ જો કોઇ એક નેતા ટક્કર લઇ શકે તેમ હોય તો તે રાહુલ ગાંધી છે. એવામાં કન્હૈયા કુમારને લાગે છે કે રાહુલ ગાંધી અને કોગ્રેસ પાર્ટીને મજબૂત કરવી જરૂરી છે.


સૂત્રોના મતે રાહુલ ગાંધી દેશભરમાં ભાજપ વિરોધી યુવા નેતાઓની નવી ટીમ બનાવી રહ્યા છે. આ ટીમનો મહત્વનો સભ્ય કન્હૈયા કુમાર હોઇ શકે છે. સૂત્રોના મતે કોગ્રેસમાં કન્હૈયા કુમારની ભૂમિકા રાષ્ટ્રીય સ્તરની રહેશે. ગુજરાતના  પ્રદેશ કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી અને કોગ્રેસના નેતૃત્વ વચ્ચે વાતચીતની મધ્યસ્થતા કરી રહ્યા છે.


બિહારના કન્હૈયા કુમાર જેએનયૂમાં કથિત રીતે દેશવિરોધી નારેબાજીના કેસમાં ધરપકડ બાદ ચર્ચામાં આવ્યો હતો. કન્હૈયા કુમારે ગત લોકસભા ચૂંટણીમાં બિહારના બેગૂસરાય લોકસભા બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા ગિરિરાજ સિંહ વિરુદ્ધ સીપીઆઇના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી  હતી. જોકે, તેઓ હારી ગયા હતા. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી ગુજરાતના વડગામ વિધાનસભા બેઠક  પરથી અપક્ષ ધારાસભ્ય છે.