હાલ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ ગુજરાતના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામા આપ્યા બાદ પહેલીવાર સામે આવ્યા છે. જીતુ ચૌધરીએ રાજીનામા મુદ્દે અનેક ખુલાસાઓ કર્યાં છે. જેમાં જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ કિશન પટેલના કારણે મેં રાજીનામું આપ્યું છે.


જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, કિશન પટેલે લોકસભા ચૂંટણી વખતે મને હરાવવાના પ્રયાસો પણ કર્યાં હતાં. મતદાનના આગલા દિવસે આદિવાસી સમાજમાં પત્રિકા ફેરવીને મને હરાવવાનો પ્રયાસો કર્યા હતાં. કિશન પટેલની પક્ષ વિરોધી પ્રવૃત્તિ અંગે એક વર્ષ સુધી પ્રદેશ કોંગ્રેસ અને દિલ્હી સુધી રજીઆત કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પાર્ટીએ કોઈ પગલાં ન લેતાં નારાજ થઈને રાજીનામું આપ્યું.

કપરાડાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદની સાથે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું છે. જીતુ ચૌધરીએ કોંગ્રેસ પ્રદેશ અમિત ચાવડને સંબોધીને રાજીનામું લખ્યુ હતું. પક્ષ છોડતા પહેલા જીતુ ચૌધરીએ રાજીનામાના પત્રમાં કોંગ્રેસ પર પ્રહોર પણ કર્યાં હતાં. કોંગ્રેસ પાર્ટીમાં અંદરો અંદર આંતરિક વિખવાદ હોવાના જીતુ ચૌધરીએ આક્ષેપો કર્યા હતાં.