ગુજરાતની ગીરની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જૂનાગઢ, તલાલા, કેશોદ, અમરેલીમાં કેરીનો મબલખ પાક થાય છે.  ગુજરાતની કેસર કેરીની વિશ્વભરમાં ડિમાન્ડ રહે છે. આ વર્ષે કેરીનો મબલખ પાક થાય તેવા સંકેત મળી રહ્યાં છે. આ વર્ષે કેરીના પાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું હોવાથી મોર ખીલી ઉઠ્યો છે.


જૂનાગઢ અને અમેરેલી જિલ્લામાં કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. આ વર્ષે આંબા પર મોર વધુ પ્રમાણમાં ખીલી ઉઠતા ખેડૂતો મબલખ પાકની આશા સેવી રહ્યાં છે. ખેડૂતોનુ માનવું છે કે, જો કેરીનો પાક સંપૂર્ણ રીતે તૈયાર થાય ત્યાં સુધી પાકને અનૂકુળ વાતાવરણ મળી રહેશે તો આ વર્ષે બાગાયતી ખેતીમાં સારૂ વળતર મેળવી શકાશે.

અમરેલી જિલ્લામાં ધારી, સાવરકુંડલા, રાજુલા, ચલાલા મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થયેલું છે. તલાલાની જેમ ધારી પણ કેસર કેરીનું હબ ગણાય છે . છેલ્લા 3 વર્ષમાં 295 હેક્ટર કેસર કેરીના આંબાનું વાવેતર વધ્યું છે. આંબામાં સુંદર મોર ખીલી ઉઠ્યો છે. જેને જોતા પુષ્કળ ઉત્પાદનની આશા ખેડૂતો સેવી રહ્યાં છે.