Kheda : ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં નવજાત શિશુ મળી આવ્યું હતું. નડિયાદમાં માઇ મંદિર નજીકથી 2થી 3 દિવસનું શિશુ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. નડિયાદ પશ્ચિમ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાળકના વાલી-વારસ અંગે તાપસ શરૂ કરી હતી.  નડિયાદ પશ્ચિમ પોલીસે ચાર ટીમ બનાવી અલગ અલગ દિશામાં તાપસ કરતા આખરે આ શિશુને તરછોડનાર માતાને માત્ર બે જ કલાકમાં ઝડપી પડી હતી. 


મહિલા દાહોદની હોવાનું સામે આવ્યું 
શિશુને તરછોડનાર આ મહિલા દાહોદની હોવાનું સામે આવ્યું છે. આ મહિલા 5-6 મહિના પહેલા ગર્ભવતી હતી ત્યારે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારથી આ મહિલા નડિયાદ શહેરમાં ડાકોર રોડ ઉપર તેના માસીને ત્યાં ઝુપડામાં રહેતી હોવાનું મહિલાએ કબૂલ્યું છે. 


બાળકને કમળાની અસર 
મહિલાએ બાળકને ચાર દિવસ અગાઉ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. બાળકને હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ મેડિકલ ચેકઅપ માટે રખાયું છે. બાળક શારીરિક રીતે તંદુરસ્ત પણ મેડિકલ ચેકઅપમાં કમળાની અસર હોવાનું  સામે આવ્યું છે. 


રાજકોટ : ચેકડેમમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોત


રાજકોટમાં ચેકડેમમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા છે. પત્નીની નજર સમક્ષ પતિ અને બે પુત્રોના મોત નિપજ્યા છે. ચેક ડેમ ક્રોસ કરતા સમયે બન્યો બનાવ. બંને બાળકોને પિતાએ ખભે બેસાડ્યા હતા. પિતાનો લગ લપસતાં બને પુત્રો સાથે ચેકડેમમાં થયા ગરકાવ.


આ અંગેની વધુ વિગત એવી છે કે, પડધરી તાલુકાના જીલરીયા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં આ દુર્ઘટના ઘટી છે. વશરામભાઈ પ્રેમજીભાઈ બુસાની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના મદનભાઈ (ઉં.વ.35) તેમના બે અને 5 વર્ષની ઉંમરના બાળકોને ખભે ઉંચકીને ચેકડેમ પસાર કરવા જતાં આ દુર્ઘટના ઘટી હતી અને ત્રણેયના મોત નીપજ્યા છે. એક વાડીથી બીજી વાડી તરફ જતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.