Cheating in the Name of Government Job: સરકારી નોકરીની લાલચે ખેડા જિલ્લામાં પાંચ વ્યક્તિઓ સાથે 53 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. પોલીસ ફરિયાદ પ્રમાણે મનદીપસિંહ વાઘેલા, ચિરાગ પટેલ, ધવલ પટેલ, જીગર અને ગુપ્તા નામના શખ્સે ગાંધીનગરમાં મોટી ઓળખ અને સરકારી નોકરી અપાવવાના નામે 53 લાખ રૂપિયા પડાવ્યા છે.


આ કેસમાં આણંદની ક્રિશ્ચિયન કોલેજમાં કામ કરતાં ક્લાર્ક સચિન પરમાર, તેની પત્નિ, ભાઈ અને અન્ય બે લોકો છેતરપિંડીના શિકાર બન્યા છે. હાલ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.


નડિયાદમાં આવેલા ખેતા તળાવ નજીક રોકડ રૂપિયાની લેતી દેતી થઈ હતી.  ક્લાર્ક સચિન પરમારની પત્નિ ,ભાઈ અને મિત્રોને બનાવટી એપોઈન્ટમેન્ટ લેટર પધરાવી છેતરપિંડી આચરી છે. ભોગ બનનાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈ ઠગોએ ગાંધીનગર મોટા સાહેબને રૂપિયા આપવાનું જણાવી ઠગાઈ કરી હતી.


વોટ્સએપમાં એપોઈનમેન્ટ લેટર મોકલતા તેની ખરાઈ કરતા તે બનાવટી હોવાનુ ખૂલ્યું છે. ટુકડે ટુકડે રોકડ તેમજ ઓનલાઈન રૂપિયા પડાવી નોકરી ન આપતા છેતરપિંડી બાબતે નડીયાદ ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવાઈ છે.


ઠગાઈ કરનાર મનદીપસિંહ વાઘેલા, ચિરાગ પટેલ,ધવલ પટેલ જીગર અને ગાંધીનગરના અધિક અધિકારીની ઓળખ આપનાર ગુપ્તા વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ ના આધારે લાગતા વળગતા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.


ગીર સોમનાથમાં નકલી નિમણૂક પત્ર બનાવી છેતરપિંડી


ગીર સોમનાથના સૂત્રાપાડામાં નકલી નિમણૂક પત્ર બનાવી લાખો રૂપિયાની છેતરપિડી કર્યાના મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, સૂત્રાપાડામાં યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્રો બનાવી આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ હતી. આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ત્રણ જણાની ધરપકડ કરી હતી.


મળતી માહિતી અનુસાર, તાલાલા તાલુકાના મોરુકા ગામના કાનજી જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના સંતાનોને નોકરી અપાવવા સૂત્રાપાડાના ઘંટીયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ ચૂડાસમા નામના શખ્સને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. આ વ્યક્તિ પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે અને તો જ્યોતિ બા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું કહી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કહેતો હતો. તેણે ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને સચિવાલય કારકુન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના ઓફર લેટર આપ્યા હતા. જોકે આખરે ભાંડો ફૂટતા જેઠાભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગીર સોમનાથ પોલીસે આ મામલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને તપાસનો રેલો જૂનાગઢ અને કડી સુધી પહોંચ્યો હતો.


ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ મામલે કુલ ત્રણ આરોપી ની ધરપકડ કરી છે. આ કૌંભાંડનાં તાર જૂનાગઢ અને કડી સુધી જોડાયેલા છે. આરોપીઓ અલગ અલગ સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્ર બનાવતા તેમાં આઇએએસ અને આઇપીએસ અધીકારીઓની સહી પણ જાતે જ કરતા હતા.