Kheda:  ખેડા જિલ્લામાં બે દિવસમાં પાંચ વ્યકિતના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર,  નડિયાદના બિલોદરા ગામમાં બે દિવસમાં બે લોકોના તો મહુધા તાલુકાના બગડુ ગામે પણ બે વ્યકિતના શંકાસ્પદ મોત થતા હાહાકાર મચી ગયો હતો. હાલમાં એક વ્યકિત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. બિલોદરા ગામે મળતી કથિત આયુર્વેદીક શીરપના કારણે મોત થયાની આશંકા છે. બે દિવસમાં બિલોદરા અને બગડુ ગામમાં પાંચ લોકોના શંકાસ્પદ મોત થતા ચકચાર મચી ગઇ હતી. નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા છે જ્યારે મહુધા તાલુકાના બગડુ ગામે પણ 2 લોકોના શંકાસ્પદના મોત થયા છે. પાંચ મોતથી ખેડા જિલ્લાની સમગ્ર પોલીસ દોડતી થઇ હતી. એસઓજી અને એલસીબીએ, નડીયાદ રૂરલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોસ્ટમોર્ટમ કર્યાબાદ મોત પાછળનું કારણ જાણવા મળશે.


મૃતકોએ કરિયાણાના સ્ટોરથી આયુર્વેદિક સિરપ પીધાની આશંકા છે. આયુર્વેદિક સિરપના નામે વેચાતો નશો મોત પાછળનું કારણ હોવાની ચર્ચા છે. બિલોદરા ગામની દુકાનમાં મળતું સિરપ પીનાર અન્ય લોકો પણ બીમાર છે.


બિલોદરા ગામના અશોક, અરજણ અને નટુ સોઢા નામના યુવકનું મોત થયું છે. હજુ પણ કેટલાક વ્યક્તિઓ બીમાર હોવાની આશંકા છે. દેવ દિવાળીના દિવસે તમામે કેફીપીણું પીધું હોવાની ચર્ચા છે. હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. પરંતુ પાંચેયના મોતનું કારણ કેફી પીણું હોવાની આશંકા છે. મૃતકોએ કરિયાણાના સ્ટોરથી આયુર્વેદિક સિરપ પીધાની શંકા છે. બિલોદરા અને બગડુ ગામમાં પીએચસી સેન્ટર પર પણ તપાસ શરુ કરાઈ છે.


34 વર્ષીય અશોક સોઢા નામના યુવકનું મોત થયું હતું. મંગળવારે અચાનક પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે અશોકભાઈને મોઢામાંથી ફીણ નીકળી ગયા હોવાનો પરિવારના સભ્યોનો આક્ષેપ છે. મૃતક અશોક સોઢાના ભાઇએ કહ્યું હતું કે અશોક ભાઇ અમુક વખત નશો કરતા હતા પણ આ ઘટના પહેલાં નશો કર્યો હતો કે કેમ તે હજી ખબર પડી નથી.


ચારેય મૃતકોના મોતનું કારણ એક જ હોવાની જાણકારી મળી રહી છે. મૃતકોના પરિવારજનોના કહેવા પ્રમાણે તમામ મૃતકો ઘરે આવ્યા બાદ માથામાં દુઃખાવો થયો હતો અને પરસેવો થવા લાગ્યો હતો. ત્યારબાદ અચાનક મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું હતું. બાદમાં તરત પરિવારજનો હોસ્પિટલ લઇ ગયા હતા તે અગાઉ જ તમામનું મોત થયું હતુ.


પરિવારજનોને મોતનું કારણ પૂછતા તેઓ આ અંગે અજાણ હોવાનું કહી રહ્યા છે. એક મૃતકના પરિવારે દાવો કર્યો કે તબીબે મૃત જાહેર કરતા પોસ્ટમોર્ટમ અને પોલીસ કેસ કરવાની સૂચના આપી હતી. હાલ તો આ તમામનું મોત ક્યા કારણોસર થયું તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. મૃતકોનું જો પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.