છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જ્યાં જુઓ તયાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રવિવારે 20 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે જામનગર જિલ્લામાં કાલાવડમાં સોમવારે 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતાં.

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં. ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થઈ ગયા હતાં.

મહત્વની વાત છે કે, જામનગર જિલ્લાના દરેડ નજીક આવેલા ખોડિયાર માતાજીનું મંદિર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને જોવા માટે લોકો દોડી આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મંદિરની માત્ર ધજા જોવા મળી રહી હતી. જ્યારે મંદિરની આસપાસ પાણીના ધોધ વહી રહ્યાં છે.

ખોડિયાર મંદિરની આજુબાજુ પાણી ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જેના દ્રશ્યો સામે આવ્યા હતાં. મંદિર પાણીમાં ગરકાવ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વીડિયો અને ફોટો પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતાં જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.