મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા અને અન્ય પ્રવાસન આકર્ષણ માણવા-નિહાળવા આવતા વિશ્વભરના પ્રવાસીઓ સમક્ષ ભારત વર્ષના દેશી રજવાડાઓની ભવ્યતા તેમજ દેશની અખંડિતતા એકતા માટે તેમણે આપેલા ત્યાગની ભાવના સાથે સરદાર સાહેબના પ્રબળ પુરૂષાર્થની પરિણામકારી ગાથા આ ભવ્ય મ્યૂઝિયમ ઊજાગર કરશે.
મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કર્યુ કે, આઝાદી બાદ ભારત રાષ્ટ્રમાં વિલીનીકરણ અંગે રજવાડાઓએ સરદાર સાહેબની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર કરેલા કરારના દસ્તાવેજો, તે સમયની તસ્વીરો, રાજવીઓના શસ્ત્ર સરંજામ, ભેટ-સોગાદોની ઝાંખી આ બધી ઐતિહાસિક વિગતો પ્રત્યેક રાજ્યના અલાયદા વિભાગો આ મ્યૂઝિયમમાં બનાવીને પ્રસ્તૃત કરવામાં આવશે.
દેશના 562 જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. અત્યાધુનિક 3-D મેપીંગ પ્રોજેકશન, હોલોગ્રાફી, ઓગમેન્ટેડ રિયાલીટી તેમજ ઓડિયો-વિડીયો કંટ્રોલ લાઇટ સીસ્ટમના આકર્ષણો પણ આ મ્યૂઝિયમ નિર્માણમાં જોડવામાં આવશે.