દ્વારકાઃ રાજ્યમાં જતા જતા મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાનો ડર છે. રાજ્યમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના પગલે દ્વારકાના ત્રણ તાલુકામાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.




ધોધમાર વરસાદના કારણે દ્વારકાના કલ્યાણપુર, ભાણવડ, અને ખંભાળીયામાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષકોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે વિદ્યાર્ઓને રજા આપવામાં આવી છે.



દ્વારકા જિલ્લાના ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફ્લો થવાના કારણે 12 દરવાજા પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેના કારણે નીચાળવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઈશ્વરીયા, રાવલ, ઝારેરા, પરવાળા સહિતના ગામના લોકોને નદીના પટ પર અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે. વર્તુ - 2 ડેમ પોરબંદરના 12 અને દ્વારકા જિલ્લાના 8 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે.