આ નિયમ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રી રાધિકા, જમાઇ નિમિત્ત મિશ્રા અને દોહિત્ર શૌર્ય યુ.કે.થી ગુજરાત આવતાં તેમણે પણ ગાઇડલાઇન મુજબ ટેસ્ટ કરાવ્યા હતાં. આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મુખ્યમંત્રીના પરિવારે પણ અનુકરણીય ઉદાહરણ પુરૂ પાડયું છે.
કોરોનાના નવા પ્રકારના સ્ટ્રેનને લીધે સમગ્ર વિશ્વમાં ડરનો માહોલ છે. યુરોપના દેશોમાં આ નવા પ્રકારનો વાયરસ જોવા મળતાં ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. તેના ભાગરૂપે તમામ લોકોના ટેસ્ટ કરાવાય છે. અત્યાર સીમાં યુકે સહિતના યુરોપના દેશોમાંથી ગુજરાત આવેલાં કુલ 1720 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયાં છે. આ પૈકી 11 મુસાફરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યાં છે.
ગુજરાતમાં યુકે સહિતના યુરોપના દેશોમાંથી આવેલાં મુસાફરોને શોધીને ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી યુકે સહિતના યુરોપના દેશોમાંથી 572 મુસાફરો આવ્યા હતાં. પેકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી 1148 મુસાફરો આ દેશોમાંથી ગુજરાત આવ્યા હતાં જેમાં 11 વ્યક્તિના રિપોર્ટ પોઝીટીવ હોવાનુ નિદાન થયુ હતું. અમદાવાદમાં 4 , વડોદરામાં 2, આણંદમાં 2 , ભરૂચમાં 2 અને વલસાડમાં 1 વ્યક્તિના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે. આ બધાય દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
આ તમામ દર્દીઓમાં કોરોનાના વાયરસના નવા સ્ટ્રેઇનના લક્ષણો છે કે કેમ તે અંગેની સંપૂર્ણ તપાસ માટે સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી ઉપરાંત ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલાયાં છે.