Hardik Patel: ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે નિકોલમાં ઉપવાસ મામલે હાર્દિક પટેલ ગીતા પટેલ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હાર્દિક પટેલની ઘરેથી જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, તે સમયે હાર્દિક પટેલ સહિતના આગેવાનોએ પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું, જે મુદ્દે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં(મિરઝાપુર કોર્ટમાં) હાર્દિક પટેલને હાજર રહેવા માટે ગ્રામ્ય કોર્ટે સમન્સ ઇશ્યુ કરેલું છે. આ કેસની આજની સુનાવણી સમયે હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવાનું સમન્સ છે. જો હાર્દિક પટેલ આ કેસમાં હાજર નહીં રહે તો તેની સામે વોરંટ ઇસ્યુ થઈ શકે છે.


2022 વિધાનસભા ચૂંટણીમાં  વિરમગામ બેઠક પર 10 વર્ષ બાદ હાર્દિકે ખીલવ્યું કમળ


ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામ દરમિયાન સૌની નજર અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર હતી. આ બેઠક પરથી ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણી મેદાને ઉતાર્યો હતો. જેની સામે કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ મેદાને હતા. હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર જીત હાંસલ કરી છે. હાર્દિક પટેલની 51555 મતથી જીત થઇ છે. બીજા નંબરે 47072 મત આમ આદમી પાર્ટી લઈ ગયું હતું. કોંગ્રેસના લાખાભાઇ ભરવાડની કારમી હાર થઇ હતી. વિરમગામ ગામ બેઠક પર 3 બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી. જ્યારે 2022માં ભાજપના હાર્દિક પટેલે બાજી મારી હતી.


રાજદ્રોહના બે કેસ સહિત કુલ 20 કેસ નોંધાયા છે


ગુજરાત વિધાનસભા ચૂટંણી વખતે  ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલાક ખુલાસા થયા હતા. જેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 61.48 લાખ દર્શાવી હતી. હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઈ છે. સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઈ છે.