અમદાવાદઃ ગુજરાતની નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના કરૂણ રકાસ થયો તે પછી ગુજરાત પ્રદેશના પ્રમુખ પદેથી અમિત ચાવડાએ અને ગુજરાત કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામા આપી દીધા હતા. જેને લઈ હવે ગમે ત્યારે નવા નામની જાહેરાત થઈ શકે છે. ગુજરાતના ટોચના અખબારના અહેવાલ પ્રમાણે, ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દા માટે શક્તિસિંહ ગોહિલ, ભરત સોલંકી અને અર્જુન મોડવાડિયા રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજીતરફ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર અને પૂંજા વંશના નામ બોલાઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે કેટલાક સૂત્રોનું કહેવું છે કે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ આ હોદ્દા માટે રેસમાં છે. 


ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ટૂંકમાં જ નિમણૂક કરવામાં આવે તેવી સંભાવના હોવાનું જાણવા મળી રહ્યું છે.  2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપને હંફાવવા માટેના આયોજન સાથે શક્તિસિંહ ગોહિલ પર પસંદગીનો કળશ ઢોળે તેવી સંભાવના છે.


ગુજરાત બહારની શક્તિસિંહ ગોહિલની કામગીરી સારી રહી છે. તેમ જ ગુજરાતમાં પણ તેમની ઇમેજ એક ક્લિન નેતા તરીકેની છે. તેમની સામે કોઈ આક્ષેપો થયેલા નથી. જોકે આ હોદ્દો મેળવવા માટે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા પણ રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ ત્રણમાં શક્તિસિંહ હોટ ફેવરીટ હોવાનું જાણવા મળી રહ્યું છે. 


શક્તિસિંહને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવે તો ભરતસિંહ સોલંકીને દિલ્હી લઈ જઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આદિવાસી જાતિઓ અને જનજાતિઓના મતને કોંગ્રેસ તરફ ડાયવર્ટ કરવાની મહત્વની કામગીરી સોંપાય તેવી સંભાવના છે. બીજી તરફ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે શૈલેશ પરમારનું નામ બોલાઈ રહ્યું છે.


વિધાનસભાના છેલ્લા સત્રમાં પૂંજાભાઈ વંશે પણ વધુ આક્રમક અભિગમ અપનાવીને કોન્ગ્રેસની કેન્દ્રિય નેતાગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે આ હોદ્દા માટે તેમના બેના નામ ચર્ચામાં છે. વિધાનસભા પક્ષના નાયબ નેતા તરીકે શૈલેશ પરમાર અત્યારે પણ હોવાથી તેમનું પલડું ભારે હોવાની સંભાવના છે. જોકે છાને ખૂણે વીરજી ઠુમ્પર પણ રેસમાં હોવાની વાત કરવામાં આવી રહી છે.