નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે ત્યારે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. કેંદ્રના સતાવાર આંકડા જોવા જઈએ તો દેશમાં બ્લેક ફંગસથી 8 હજાર 848 લોકો શિકાર થયા છે. હાલ દેશના 14 રાજ્યોએ મ્યુકરમાઈકોસિસને મહામારી ઘોષિત કરી છે. શનિવારે ઉત્તરાખંડ, બિહાર અને મધ્યપ્રદેશે બ્લેક ફંગસને મહામારી જાહેર કરી છે.


ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડા મુજબ ગુજરાતમાં 2 હજાર 281 કેસ નોંધાયા તો બિન સત્તાવાર રીતે 5 હજારથી વધુ કેસ છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં સરકારી ચોપડે 2 હજાર કેસ નોંધાયા છે. કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો કે સ્ટિરોયડનો બેફામ ઉપયોગ અટકે તો બ્લેક ફંગસના કેસો અટકાવી શકાય. નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પોલે કહ્યું કે આપણે મ્યુકરમાઈકોસિસ સામે લડવાનું છે આ રોગ હવે મહામારી બની ચૂક્યો છે. વધુમાં કહ્યું કોરોનાને હરાવવામાં સ્ટિરોયડ વંડર ડ્રગ્સ છે.... પરંતું તેનો વધુ પડતો ઉપયોગ મ્યુકરમાઈકોસિસ જેવી મહામારી નોતરી શકે છે.


ગુજરાતમાં અત્યાર સુધી મ્યુકર માઇકોસીસનો મૃત્યુઆંક 70 સુધી પહોચ્યો છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં કુલ મળીને 35 દર્દીઓના મૃત્યુ થયા છે. મહત્વની વાત તો એછેકે, છેલ્લાં 24 કલાકમાં જ સિવિલમાં 34 ઓપરેશન કરવામાં આવ્યાં હતાં.  કોરોનાના દર્દીઓમાં નહીં,હવે તો બાળકોમાં ય મ્યુકરમાઇકોસિસના રોગે દેખા દીધી છે જેના કારણે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે.


ગુજરાતમાં કોરોનાના કેસો ઘટવા માંડયાં છે જેના કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે ત્યાં હવે મ્યુકરમાઇકોસિસની બિમારી વકરી રહી છે. રાજ્યમાં હવે મ્યુકરમાઇકોસીસનો ખતરો વધ્યો છે. આખાય રાજ્યમાં અમદાવાદ સિવિલમાં સૌથી વધુ 371 દર્દીઓ હાલમાં સારવાર લઇ રહ્યાં છે. આ દર્દીઓના ઓપરેશન માટે 4 ઓપરેશન િથયેટરો સજ્જ કરાયાં છે.


અમદાવાદ સિવિલમાં રોજ મ્યુકરમાઇકોસિસના શંકાસ્પદ 80-90 દર્દીઓના સેમ્પલ બીજે મેડિકલ કોલેજની માઇક્રો બાયોલોજી લેબમાં મોકલાય છે. આ પૈકી 35 ટકાને મ્યુકર માઇકોસિસ હોવાનુ નિદાન થાય છે. ગઇકાલે પણ સિવિલમાં વધુ 29 દર્દીઓને દાખલ કરાયા હતાં. છેલ્લાં 24 કલાકમાં જ 34 દર્દીઓના ઓપરેશન કરાયા હતાં.


તબીબોનુ કહેવુ છેકે, લોહીની નસો બ્લોક થાય છે જેના કારણે બ્લેક ફંગસ કહેવાય છે. હાલમાં જે દર્દીઓ સારવાર હેઠળ છે તેમને નિષ્ણાત તબીબો દ્વારા ડોઝ અને ઇન્જેકશન નક્કી કરીને આપવામાં આવે છે.  સિવિલમાં ઇ એન્ડ ટી વિભાગે અત્યાર સુધીમાં કુલ 176 ઓપરેશન કર્યાં છે. આ દર્દીઓ પૈકી 64 દર્દીઓના દાંત,દાઢ અને જડબા કાઢી નાંખવામાં આવ્યા હતાં.