Gujarat BJP organization change: સાળંગપુર BAPS મંદિરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બેઠકમાં હાજર છે. બેઠક શરૂ થતાં પહેલાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજારોહણ કર્યું. સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીઓ, ધારાસભ્યો સહિત 1300થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો બેઠકમાં ઉપસ્થિત છે. કારોબારી બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામોની સમીક્ષા પણ કરવામાં આવશે. બેઠક સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થશે.


કુંવરજી બાવળિયાએ ગુજરાત ભાજપના સંગઠનમાં સંભવિત ફેરફારના સંકેત આપ્યા છે. સાળંગપુરમાં યોજાનારી ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક પહેલા ABP અસ્મિતા સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં પ્રદેશ સંગઠનમાં ફેરફાર થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે સી.આર. પાટીલ બંને જવાબદારીઓ નિભાવવા સક્ષમ છે. મંત્રીમંડળમાં ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું.