કચ્છઃ ગુજરાતમાં હાલમાં ધોરણ 1થી ધોરણ 9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે તેથી ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાયું છે ત્યારે  અંજારની સરકારી શાળામાં ઓનલાઇન ક્લાસ દરમિયાન આઘાતજનક ઘટના બની છે.


અંજારની સરકારી શાળામાં ઓનલાઇન ભણાવતા શિક્ષિકાએ ઓનલાઇન ક્લાસ ચાલુ કરતાં જ પોર્ન વીડિયો શરૂ થઈ ગયો હતો. વિદ્યાર્થીઓની સામે જ અશ્લીલ હરકતોનો વીડિયો દેખાવા માંડતાં શિક્ષકો પણ શરમજનક સ્થિતીમાં મૂકાઈ ગયા હતા.


સમગ્ર કચ્છ જિલ્લામાં એક માત્ર અંજારમાં નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે અને ત્યાં આ આઘાતજનક ઘટના બનતાં  અંગ્રેજી માધ્યમની શાળાના આચાર્યએ સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ આપી છે. ઓનલાઇન ભણાવતા શિક્ષિકાનો મોબાઈલ હેક થયાના કારણે આ ઘટના બન્યાની આશંકા છે.  સરકાર હસ્તકની અટલ બિહારી વાજપેયી અંગ્રેજી માધ્યમની શાળામાં આ બનાવ 21 જાન્યુઆરી, 2022ના રોજ  સવારે 9 વાગ્યે બન્યો હતો. આ બાબતની યોગ્ય તપાસ થાય અને ગંભીર ઘટના બીજી વાર ન બને એ માટે આચાર્ય દ્વારા સાયબર ક્રાઇમને લેખિત ફરિયાદ પોસ્ટ મોરફત મોકલી આપવામાં આવી છે.


ગુજરાતની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા મુદ્દે બહુ મોટા સમાચાર, જાણો વિગત


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ બંધ કરી દેવાયા છે. આ ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે ત્યારે ક્લાસમાં ફરી શિક્ષણ શરૂ કરવા મુદ્દ આજે નિર્ણય લેવાશે.


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર  ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવી કે નહીં તેના પર આજે નિર્ણય લેશે. રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમા કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થતાં ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતના પગલે  ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મળતી કોર કમિટીની બેઠક બાદ ધોરણ 1 થી ધોરણ 9ના ક્લાસ ફરી શરૂ કરવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાશે.


રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શાળામાં ઓફ લાઈન શિક્ષણ બાબતે  ગયા અઠવાડિયે કહ્યું હતું  કે,  ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમા શાળા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.  ખાનગી શાળા સંચાલકોએ રાજ્યના શિક્ષણ વિભાગને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે પત્ર લખ્યો હતો.


શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે, રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજ્ય સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.


રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, 1 ફેબ્રુઆરીથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામા આવે કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.


હાલમા રાજ્યમાં કોરોનાના કેસ  ઘટી રહ્યા છે અને બીજી લહેર જેવી ભયાવહ સ્થિતિ નથી. આ ઉપરાંત  મહારાષ્ટ્રમાં પ્રી પ્રાયમરીથી માંડી ધોરણ 12 સુધી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે ત્યારે રાજ્યની સ્કૂલો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.