Kutch : કોરોના સમયે બંધ કરવામાં આવેલી ભુજ રેલવે સ્ટેશનથી ઉપડતી 5 ટ્રેનો 25 મહિનાથી બંધ છે.ભુજ રેલવે સ્ટેશનને ટ્રેનની સુવિધા મુદ્દે અવારનવાર નિરાશા મળતી આવી છે. નવી ટ્રેનની વાત તો દુર રહી પણ જે ટ્રેનો અગાઉ ભુજથી દોડતી હતી તે પણ હજીય બંધ છે. જે તે સમયે કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ટ્રેન પરિવહન બંધ કરવામાં આવ્યું હતું પણ આજે 25 મહિના બાદ પણ આ ટ્રેનો શરૂ થઈ શકી નથી. મહત્વની બાબત એ છે કે ઉત્તર ગુજરાતને સાંકળતી ગાડીઓ શરૂ ન થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ 5 ટ્રેનો હજી પણ બંધ
બંધ ટ્રેનો બાબતે જ્યારે એબીપી અસ્મિતાએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પૂછ્યો તો જાણવા મળ્યું કે હાલમાં આ ટ્રેનો બંધ છે -
1) ભુજ - શાલીમાર (22829)
2) ભુજ - પાલનપુર (19152)
3) ભુજ - દાદર વાયા પાલનપુર (12959)
4) ગાંધીધામ પાલનપુર (59425) અને
5) ગાંધીધામ ઇન્દોર (19335)
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અનેક રજૂઆતો કરવામાં આવી અનેક બેઠકો પણ કરવામાં આવી પંરતુ પણ ટ્રેન ચાલુ કરવામાં કોઈએ રસના ન દાખવ્યો હવે આગામી દિવસોમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દિલ્હી જઈને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરશે.
શું કહ્યું રેલવે અધિકારીએ ?
એબીપી અસ્મિતાએ રેલવે અધિકારીને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે કોરોના સમયમાં સરકાર દ્વારા બધી ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. જેમ જેમ કોરોના હળવો થતો ગયો એમ રેગ્યુલર ટ્રેનો શરૂ થઈ ગઈ. કચ્છમાં જે પાંચ ટ્રેનો બંધ છે એમાંથી બે ટ્રેનો સાપ્તાહિક છે, જ્યારે ઇન્દોર ગાંધીધામ વારી ટ્રેન ટ્રાયલ માટે ચલાવવા માટે આવ્યું હતું, અને પાલનપુર પેસેન્જર અને પાલનપુર સ્પેશિયલ ટ્રેન જે બંધ છે કેમકે ત્યાં 84 કિલો મીટરનું ડબલ લાઈનનું કામ હજી પણ નથી થયું એટલે એ ટ્રેનો પણ બંધ છે.
રેલવે અધિકારીએ વધુમાં જણાવ્યું કે ભારતમાં કોલસાની હાલ કમી જોવા મળી રહી છે અને કોલસા માટે મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પર કોલસાની આયાત થઇ રહી છે જેને લઇને કોલસા લઈને આવતી માલગાડીને એકસપ્રેસ કરતા પણ વધારે ફાસ્ટ ચલાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે એટલે ટ્રેનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે એટલે ટ્રેનો બંધ છે પંરતુ આ ટ્રેનો જલ્દી જ ચાલુ થશે.