Kutch:  ભૂજ જમીન કૌભાંડમાં તત્કાલિન ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, ભૂજની ૧.૩૮ એકર સરકારી ખરાબાની જમીન લાગુની જમીન તરીકે મંજૂર કરવાના અને બાદમાં તેને રહેણાંક હેતુ બિનખેતી કરી આપવાના ગુનામાં ભૂજના તત્કાલિન નાયબ કલેકટર અને હાલમાં વડોદરામાં નર્મદા રિ-સેટલમેન્ટ પ્રોજેક્ટના જોઈન્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા એસ.એલ.ગલચરની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. તેઓ સીઆઇડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા અને બાદમાં તેમની ધરપકડ કરાઇ હતી. કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તેમને પાલારા જેલમાં ધકેલી દેવાયા હતા.


કચ્છ ચકચારી જમીન પ્રકરણમાં સરદાર સરોવરમાં ફરજ બજાવતા અધિક કલેકટર એસ. એલ. ગલચરે ૧૬ નવેમ્બરે સીઆઈડી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એક દિવસના રીમાન્ડ બાદ ૧૮ નવેમ્બરે કૉર્ટે તેમને પાલારાની જેલમાં મોકલ્યા હતા. આ કૌભાંડ બદલ તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્મા અને નિવાસી નાયબ કલેક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી.
જમીન કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં પ્રદીપ શર્મા, તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર ફ્રાન્સિસ એ. સુવેરા, નાયબ કલેક્ટર એસ.એલ. ગલચર, તત્કાલિન મામલતદાર અને હાલ તાપી વ્યારામાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતાં રજનીકાંત જે. વલવી અને તત્કાલિન સર્કલ ઓફિસર સુરેન્દ્ર દવે, બિલ્ડર સંજય શાહ અને તેના પાર્ટનર પ્રકાશ વજીરાણી એમ પાંચ સરકારી અધિકારી મળી સાત આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.

આ કેસમાં ધરપકડ થવાના ડરે તત્કાલિન નાયબ કલેકટર એસ.એલ. ગલચરે કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. જોકે કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દેતા ગલચર ૧૬ નવેમ્બરના રોજ સીઆઇડી ક્રાઇમ પોલીસ મથકે હાજર થયા હતા. જેમને કોર્ટમાં રજૂ કરીને પોલીસે એક દિવસના રિમાન્ડ મોકલ્યા હતા. પરંતુ બાદમાં રિમાન્ડ પૂર્ણ થતા ગલચરને પાલારા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.


પૂર્વ IASની પણ બોગસ સિંચાઇ કૌભાંડમાં કરાઇ ધરપકડ


દાહોદ અને છોટા ઉદેપુરમાં બોગસ સિંચાઈ કૌભાંડમાં પૂર્વ IAS બી ડી નિનામાની ધરપકડ કરવામાં આવી હતી.  છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો.  


4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી


છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી.