અરવલ્લીમાં મોડાસા માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદને લઈ અમરાપુર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. મળતી જાણકારી અનુસાર, મોડાસા માઝૂમ ડેમના વિસ્થાપિતોની જમીન વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. જેને પગલે અમરાપુર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. અમરાપુર ગામે વહેલી સવારે જમીન કબજાની માપણી માટેની તંત્ર દ્ધારા કામગીરી હાથ ધરવા પહોંચી હતી. ગામલોકોને અજાણ રાખી પોલીસ બંદોબસ્ત સાથે જમીન માપણી માટે ટીમ પહોંચતા ગ્રામ જનોમાં રોષ જોવા મળ્યો હતો.                         




જે બાદ ગ્રામજનોએ રસ્તા ઉપર આડસ મુકી ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકોને હટાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વિરોધ કરી રહેલી મહિલાઓ સહિત 50 જેટલા લોકોની અટકાયત કરી હતી.  એટલું જ નહીં આ સમયે પોલીસે કેટલીક મહિલાઓને માર માર્યો હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો. નોંધનીય છે કે બે દિવસ પહેલા જ ગ્રામજનોએ જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી. સાત દાયકા વિતિ ગયા છતાં ન્યાય નહી મળતા લોકોમાં રોષ ફેલાયો છે.



 લોકોને માર મારવાના અહેવાલોને કલેક્ટરે ટેલિફોનિક વાતચીતમાં પાયાવિહોણા ગણાવ્યા હતા. કલેક્ટરે કહ્યુ હતું કે ગામના લોકો 37 વર્ષથી જમીન પર કબજો કરીને બેઠા છે. જેને લઈ પોલીસ બંદોબસ્ત સાથે જ કામ કરવામાં આવ્યું હતુ. જે લોકોને પકડ્યા છે તેમને થોડીવારમાં છોડી દેવામાં આવશે. જો કે બે દિવસ પહેલા જળ સમાધિની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.વધુમાં કલેક્ટરે કહ્યું કે અમે મહિલા પોલીસ સાથે જ કાર્યવાહી કરી છે. મારામારીના આક્ષેપો તદ્દન ખોટા છે. કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ એમાં વચ્ચે અવરોધ ન બનવું જોઈએ.         


મોડાસાના સાયરા પાસે 1982 માં માઝૂમ ડેમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્થાનિક લોકોની ડૂબમાં ગયેલી જમીન સામે પહાડપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સિતપુર ગામની સીમમાં 6 હેક્ટર જમીન આપી હતી. આ દરમિયાન વીસ વર્ષ અગાઉ તંત્ર દ્વારા બે અન્ય લોકોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈને માઝૂમ ડેમના વિસ્થાપિતોએ પોતાને અન્યાય થયો હોવાનો રોષ ઠાલવ્યો હતો. અસરગ્રસ્તોએ આ માટે અરવલ્લી ક્લેકટરને આ મામલે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.