Lata Mangeshkar Death: લતા મંગેશકરનું રવિવારે 92 વર્ષની વયે નિધન થયું છે. લતા દીદીની સાથે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામના વતની મહેશભાઈ રાઠોડ છેલ્લા 27 વર્ષોથી પડછાયાની જેમ રહેતા હતા. લતા દીદી મહેશભાઈ રાઠોડને દીકરા કરતા વિશેષ રાખતા હતા. લતા દીદીને સાંઈબાબા ઉપર અપાર શ્રદ્ધા હતી. મહેશભાઈ રાઠોડના વતનમાં જ્યારે સાઈબાબાનું મંદિર બનાવવાનું હતું ત્યારે લતા દીદીનો બહુમૂલ્ય ફાળો હતો. સાઈબાબાનું મંદિર મોરંગી ખાતે જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે લતા દીદીએ મહેશભાઈ રાઠોડને જે જરૂર પડે તે હું આપીશ તેમ કહેલું હતું.
મહેશભાઈ રાઠોડને લતાજીના નિધનના સમાચાર તેમના નજીકના મિત્ર નિકુંજ પંડીત પાસેથી મળ્યા હતા.આ સમાચાર સાંભળીને તેઓ પણ ભાંગી પડ્યા હતા. લતાજી તેમને 2001થી રાખડી બાંધતા હતા. તેમના પત્ની મનીષાએ કહ્યું, 2001માં દીદીએ અચાનક મહેશના કાકાને ફોન કર્યો અને તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજ પહોંચવા કહ્યું. જ્યારે મારા પતિ પહોંચ્યા ત્યારે દીદી તેમની રાખડી બાંધવા માટે રાહ જોતા હતા.
સંતાનોના નામ પાડ્યા હતા લતા મંગેશકરે
લતાજીએ તેમની ત્રણ પુત્રી અને એક પુત્રના નામ પણ પાડ્યા હતા. જે તેમના માટે આજીવન સ્મૃતિ રહેશે. તેણે ગાયત્રી (19), રાજેશ્વરી (12), શ્રદ્ધા (10) અને 2015માં જન્મેલા પુત્ર ઋષિકેશનું નામકરણ કર્યું હતું. મનીષાએ કહ્યું, શ્રદ્ધાનો જન્મ સવારે 8 વાગ્યે થયો હતો અને તેમની ગાડીએ વાછરડીને જન્મ તેના 20 મિનિટ પછી આપ્યો હતો. લતા દીદીએ મારી દીકરીનું નામ શ્રદ્ધા અને વાછરડીનું નામ સબુરી રાખ્યું હતું.
પહેલા ડ્રાઇવર અને બાદમાં પીએ બન્યા
શરૂઆતમાં મહેશભાઈ રાઠોડ લતા દીદીના ડ્રાઇવર તરીકે રહ્યા હતા. ત્યાર બાદ મહેશભાઈ રાઠોડ લતા દીદીના તમામ કામ કરતા કરતા તેઓ લતા દીદીના પી.એ બની ગયા. મહેશભાઈ રાઠોડને લતા દીદી પરિવારના એક સભ્યની જેમ રાખતા હતા. લતા દીદીનો પડ્યો બોલ મહેશભાઈ ઝીલી લેતા. કોઈ પણ કામ હોય લતા દીદી મહેશભાઈને કહેતા હતા.